જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં એક વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી હતી. એક કારચાલકે અચાનક વાહન પરનો કાબૂ ગુમાવતા રસ્તા પાસે પસાર થતી ગેસ લાઇનમાં જ ઠોકર મારી દીધી હતી. અકસ્માત બાદ વિસ્તારમાં થોડીવાર માટે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
અકસ્માતના કારણે ગેસ લાઇનને નુકસાન પહોંચ્યું હતું અને ત્યાંથી ગેસ લીકેજ શરૂ થયું હતું. ગેસ લીકેજ થતા આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક સાવચેતી રાખી વિસ્તારથી લોકોને દૂર રહેવા સૂચના આપી હતી.
View this post on Instagram
ઘટનાની જાણ થતાં ફાયર વિભાગને તાત્કાલિક માહિતી આપવામાં આવી હતી. જાણ મળતા જ ફાયર વિભાગની ટીમ ફરણી સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર સ્ટાફે ઝડપી કામગીરી હાથ ધરી ગેસ લીકેજ વધુ ફેલાય તે પહેલાં જ સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. સાથે જ આસપાસના વિસ્તારમાં સુરક્ષાના પગલાં પણ લેવામાં આવ્યા હતા.
સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની અથવા ઇજાની ઘટના બની નહોતી. જોકે અકસ્માતને કારણે થોડો સમય માટે વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ સમયસર ફાયર ટીમ પહોંચી જતા મોટી દુર્ઘટના ટળી હતી.
ઘટના બાદ પોલીસ અને સંબંધિત વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.


