કલ્યાણપુર પંથકમાંથી પોલીસે રેઇડ દરમ્યાન ગેરકાયદેસર રીતે થતું માટીનું ખનન ઝડપી લઇ ત્રણ વાહનો કબ્જે કર્યા હતાં.
આ અંગેની વિગત મુજબ કલ્યાણપુર પંથકમાં ગેરકાયદેસર રીતે થતી ખનીજ ચોરી સામે કડક હાથે કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા તથા ડીવાયએસપી સાગર રાઠોડની સૂચના મુજબ કલ્યાણપુરના પી.આઈ. આર.એન. હાથલીયા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પેટ્રોલિંગ દરમ્યાન કોન્સ્ટેબલ ભરતભાઈ ગોજીયાને મળેલી બાતમીના આધારે કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામ નજીકથી કેટલાક શખ્સો રોયલ્ટી, પાસ-પરવાના કે આધાર વગર પોતાના વાહનમાં જેસીબી વડે ખોદીને જુદા જુદા બે ટ્રેક્ટરની ટોલીમાં ગેરકાયદેસર રીતે માટી (મોરમ) ભરીને અનધિકૃત રીતે વહન કરતા હોવાથી પોલીસે દરોડાની કાર્યવાહી કરી હતી.
જેમાં પોલીસે એક જેસીબી તથા બે ટ્રેક્ટર કબજે કરી, તેના ચાલક એવા ભોગત ગામના આરીફ ભીખુભાઈ માલેક, પ્રદીપ કનુભા વાઢેર અને વિજય વીરાભાઈ આંબલીની અટકાયત કરી આ ટ્રેકટર-ટ્રોલી સહિતનો મુદ્દામાલ કલ્યાણપુર પોલીસને સોંપવામાં આવ્યો છે. જે અંગે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.


