જામનગર શહેરમાં આજે બપોર બાદ ફૂંકાયેલા તોફાની પવનના કારણે લીમડાલેનથી લાલ બંગલા તરફ જતા માર્ગ પર આવેલા એક કોમર્શીયલ કોમ્પ્લેક્સ ખાતે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કોમ્પ્લેક્સની છત ઉપર લગાવવામાં આવેલો વિશાળ પતરાનો શેડ તેજ પવનના ઝાપટામાં ઉડી જતાં લોકોમાં ભય ફેલાયો હતો.
મળતી માહિતી મુજબ પ્રતિ કલાક અંદાજે ૩૫ થી ૪૦ કિલોમીટર ઝડપે ફૂંકાઈ રહેલા પવનના કારણે આ શેડ અચાનક ઉડી ગયો હતો. ઉડી ગયેલો શેડ રસ્તાની વચ્ચે આવેલા વીજ તાર અને ઝાડ ઉપર લટકી પડતાં વાહનચાલકો અને આસપાસના વેપારીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો.
View this post on Instagram
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, પીજીવીસીએલ તથા પોલીસ તંત્રની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. સૌપ્રથમ પીજીવીસીએલ દ્વારા સલામતીના ભાગરૂપે વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો, જ્યારે પોલીસે માર્ગ પર અવરજવર નિયંત્રિત કરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી.
શેડ વીજ તાર અને ઝાડ ઉપર લટકતો હોવાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો કે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની કે ઇજા નોંધાઈ નહોતી. તંત્ર દ્વારા હાલ જોખમી બનેલા શેડને સલામત રીતે નીચે ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જામનગર શહેરમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવી તેજ પવન સાથે ધૂળિયાં વંટોળા ફૂંકાતા અનેક વિસ્તારોમાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.


