ધ્રોલ તાલુકાના પીયાવા ચોકડી પાસે આવેલા જુદા જુદા સોલાર પ્લાન્ટમાંથી ચોરાયેલા કોપર વાયરના બનાવમાં ધ્રોલ પોલીસે વાયર ચોરી આચરતા પાંચ શખ્સોને દબોચી લઇ રૂા. 4.45 લાખનો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ ધ્રોલ-લતીપર રોડ પર હરિપર ગામ નજીક આવેલી પીયાવા ચોકડી પાસે આવેલા મોહનભાઇ રત્નાભાઇ ડાંગરિયાના સોલાર પ્લાન્ટમાંથી રૂા. 1,80,000ની કિંમતના 9 હજાર મીટર કોપર વાયર તથા કુણાલ મોહન ડાંગરિયાના સોલાર પ્લાન્ટમાંથી રૂા. 60 હજારની કિંમતનો 3 હજાર મીટર કોપર વાયર અજાણ્યા તસ્કરો ચોરી કરીને લઇ ગયા હતા. આ ચોરીના બનાવ અંગે ચંદ્રકાંતભાઇ વાડોદરિયા દ્વારા જાણ કરાતાં પીએસઆઇ એમ. એમ. કુંભારવાડિયા તથા સ્ટાફ દ્વારા ચોરીનો ગુનો નોંધી અજાણ્યા તસ્કરોને પકડવાની કામગીરી હાથ ધરી હતી.
પોલીસે હાથ ધરેલી કાર્યવાહી અંતર્ગત ધ્રોલ સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમી અને સીસીટીવી કેમેરાના ફૂટેજ તથા કમાન્ડ એન્ડ કંટ્રોલ ટીમ (નેત્રમ્)ની મદદ વડે જામનગરથી ધ્રોલ માર્ગ પર વોચ ગોઠવી હતી. પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી ગ્રામ્ય ડીવાયએસપી પીયૂષ વાંદાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એચ. વી. રાઠોડ, પીએસઆઇ એમ. એમ. કુંભારવાડિયા, બી. બી. સિંગલ, પો.કો. રેખાબેન દાફડા તથા ધ્રોલ પોલીસ સ્ટાફએ વોચ દરમ્યાન જામનગરથી ધ્રોલ તરફના માર્ગ પર જી.એમ. પટેલ સ્કૂલ નજીકથી પસાર થતી જીજે05 આરએલ 8958 નંબરની રેનોલ્ડ કંપનીની ટ્રીબર કારને આંતરી લીધી હતી.
પોલીસે કારની તલાશી લેતાં કારમાંથી રૂા. 1,25,000ની કિંમતનો બળેલો 125 કિ.ગ્રા. ચોરાઉ કોપર વાયરનો જથ્થો મળી આવતાં પોલીસે રૂા. 20 હજારની કિંમતના ચાર મોબાઇલ ફોન, ચોરી કરવા માટે ઉપયોગમાં લીધેલા સાધનો, રૂા. 3 લાખની કિંમતની કાર સહિત કુલ રૂપિયા 4,45,170નો મુદામાલ કબ્જે કરી હુસેન ઉર્ફે લેંઘો અયુબ મેપાણી (ઉ.વ.26, રહે. સિક્કા, જિ. જામનગર), આરીફ ઇશા તાયાણી (ઉ.વ.20, રહે. સિકકા, જિ.જામનગર), અસ્લમ ઇશા તાયાણી (ઉ.વ.23, રહે. સિક્કા, જિ. જામનગર), આસિફ હારૂન મેપાણી (ઉ.વ.23, રહે. સિકકા, જિ. જામનગર) અને બશીર હનિફ ચૌહાણ (ઉ.વ.35, ધંધો : ભંગાર, રહે. બેડેશ્ર્વર, જિ. જામનગર) નામના પાંચ શખ્સોને દબોચી લઇ પૂછપરછ હાથ ધરી ધ્રોલ અને જોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. તેમજ આરોપી આરીફ ઇશા તાયાણી વિરૂઘ્ધ સિક્કામાં અગાઉ ચોરીનો એક ગુનો નોંધાયેલો છે.


