Wednesday, March 18, 2026
Homeરાજ્યહાલારનાની અને મોટી બાણુગાર ગામના બે પિતરાઇનો ગળેફાંસો ખાઇ આત્મહત્યાથી અરેરાટી

નાની અને મોટી બાણુગાર ગામના બે પિતરાઇનો ગળેફાંસો ખાઇ આત્મહત્યાથી અરેરાટી

કૌટુંબિક મામા સાથે ઝઘડો થયો : મનમાં લાગી આવતાં એક પછી એક બન્ને પિતરાઇઓએ આયખુ ટૂંકાવ્યું : મોટી બાણુંગારના યુવાને ઇલેકટ્રીક પોલમાં ચુંદડી વડે ગળેફાંસો ખાધો : નાની બાણુંગારના યુવાનનો ઘરમાં ગળેફાંસો

મધ્યપ્રદેશના વતની ખેતમજૂર પરિવારના બે પિતરાઇઓને મામા સાથે થયેલી સામાન્ય બોલાચાલી સંદર્ભે પરિવારજનો દ્વારા અપાયેલા ઠપકાનું મનમાં લાગી આવતાં એક યુવાનએ મોટી બાણુંગારની સીમમાં આવેલા ખેતરના ઇલેકટ્રીક પોલમાં ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના એક કલાક બાદ જ મૃતકના પિતરાઇએ નાની બાણુંગાર ગામમાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે બન્ને પિતરાઇઓના મૃતદેહોને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ ચકચારજનક બનાવની વિગત એવી છે કે, મૂળ મધ્યપ્રદેશના અલીરાજપૂર જિલ્લાના સાગોટા ગામનો વતની અને જામનગર તાલુકાના નાની બાણુગાર ગામની સીમમાં નિલેશભાઇ પટેલની વાડીમાં ખેતમજૂરી કરતો ખુમલોભાઈ રણછોડભાઈ બુંડોરીયા (ઉ.વ.37) નામના યુવાને મોટી બાણુંગાર ગામની સીમમાં ભૂપતભાઇ પટેલના ખેતરમાં મંગળવારે સવારના સાડા આઠ વાગ્યાના અરસામાં ઇલેક્ટ્રીક પોલમાં ચુંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કર્યાની મૃતકના ભાઇ નવલભાઇ દ્વારા જાણ કરાતા પીએસઆઇ એ. આર. પરમાર તથા સ્ટાફ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થળ પરથી પરપ્રાંતિય શ્રમિકયુવાનના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ખુમલોભાઇની આત્મહત્યાના બનાવના એક કલાક પછી મૃતકના પિતરાઇ સંદીપભાઇ ગણપતભાઇ બુંડોરિયા (ઉ.વ.20) નામના યુવકએ મંગળવારે તેના પિતરાઇ ખુમલોની આત્મહત્યા બાદ નાની બાણુંગારની સીમમાં ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં યુવકને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગેની મૃતકના પિતા ગણપતભાઇ દ્વારા જાણ કરાતા પીએસઆઇ એ. આર. પરમાર તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી આદરી હતી.

- Advertisement -

દરમ્યાન પીઆઇ એમ. એન. શેખ તથા પીએસઆઇ એ. આર. પરમાર તેમજ સ્ટાફએ બન્ને પિતરાઇએ એક કલાકના સમય દરમ્યાન કરેલી આત્મહત્યાના અરેરાટીજનક બનાવમાં વિગતો મેળવતા આત્મહત્યા કરનાર ખુમલોભાઇ તથા તેના કૌટુંબિક સંદીપભાઇને તેમના સગા મામા રાજુભાઇ સાથે થોડાં દિવસ પહેલાં સામાન્ય બોલાચાલી થઇ હતી. જે બાબતે ખુમલોભાઇના પરિવારજનો દ્વારા આ બાબતે ઠપકો આપતા મનમાં લાગી આવતા ખુમલોભાઇએ આયખું ટૂંકાવ્યું હતું. જ્યારે તેના પિતરાઇ સંદીપની આત્મહત્યામાં સંદીપ અને ખુમલોભાઇને તેના મામા સાથેની બોલાચાલી થયા બાદ સંદીપના પિતા ગણપતભાઇએ સંદીપ અને ખુમલોભાઇને ઠપકો આપ્યો હતો. જે બાબતનું મનમાં લાગી આવતાં સંદીપએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આમ, બે પિતરાઇઓએ સામાન્ય ઠપકાનું મનમાં લાગી આવતાં એક કલાકના સમય દરમ્યાન મોટી બાણુંગાર અને નાની બાણુંગારમાં ગળેટૂંપો ખાઇ જિંદગી ટૂંકાવ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular