દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકા પંથકમાં પુરવઠા ટીમ દ્વારા રાંધણ ગેસ સિિેલન્ડર અંગે ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તંત્રએ રેઇડ દરમ્યાન આધાર પુરાવા વગરના 10 કોમર્શિયલ સિલિન્ડરો કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ ખંભાળિયા સહિત સમગ્ર તાલુકામાં હાલ રાંધણ ગેસના બાટલાની વ્યાપક અછત વર્તાઈ રહી છે. આ વચ્ચે અહીંના પુરવઠા વિભાગ દ્વારા ગેસ સિલિન્ડરના સ્ટોક અંગે ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઇન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી એ.જે. રાજપુત તથા પુરવઠા વિભાગની ટીમ દ્વારા ગેસ સિલિન્ડર સંદર્ભે કરવામાં આવેલી ચેકિંગ કાર્યવાહીમાં અત્રે હાઈવે પર આવેલી એક હોટલમાં આધાર પુરાવા વગરના 10 જેટલા કોમર્શિયલ સિલિન્ડર જોવા મળતા પુરવઠાની ટીમ દ્વારા કુલ રૂપિયા 30,852નો મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે કબજે કરી, જરૂરી કાર્યવાહી કરી હતી.


