જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં આવેલી હોસ્ટેલના રૂમમાં ખંભાળિયાનો યુવક વાંચન કરતો હતો ત્યારે તેના રૂમમાં જ રહેતાં અન્ય યુવકે અગાઉની મસ્તીમાં થયેલી બોલાચાલીનો ખાર રાખી ગાળ કાઢી હેમર વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી છે.

હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં બેડેશ્વર વિસ્તારમાં મહાદેવના મંદિર સામે આવેલી હોસ્ટેલના રૂમ નંબર બેમાં રહીને અભ્યાસ કરતાં દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ચુડેશ્વર ગામના વાડી વિસ્તારમાં રહેતા કમલેશભાઇ ચાવડાનો પુત્ર મયૂર ચાવડા નામનો યુવક હોસ્ટેલમાં ગત્ તા. 11ના મદ્યરાત્રિના સમય વાંચન કરતો હતો. તે દરમ્યાન તેના જ રૂમમાં રહેતાં ખંભાળિયા તાલુકાના હંજડાપર ગામનો પુનિત મનસુખ કણજારિયા નામના વિદ્યાર્થી સાથે દસેક દિવસ પહેલાં મજાક-મશ્કરીમાં બોલાચાલી થઇ હતી. આ બોલાચાલી બાબતે પુનિતએ માફી માંગી હતી. તે બાબતનો ખાર રાખી પુનિત કણજારિયાએ મયૂર સાથે, “તે મને કેમ માફી મંગાવી હતી.?” તેમ કહી ગાળાગાળી કરી તેની પાસે રહેલા એન્જીનિયરીંગના સાધનોમાંથી હેમર જેવું હથિયાર કાઢી મયૂરના માથામાં ઘા મારી ઇજા પહોંચાડી હતી.
ત્યારબાદ ઘવાયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં આ બનાવ અંગે મયૂરના પિતા કમલેશભાઇ દ્વારા જાણ કરાતા પીએસઆઇ એચ. એમ. મહેતા તથા સ્ટાફએ હોસ્પિલ પહોંચી જઇ પુનિત વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


