જામનગર શહેરમાં લાલવાડી આવાસ કોલોનીના રહેવાસીઓને પ્રાથમિક સુવિધાઓની સમસ્યાઓનો નિકાલ ન થતા અને છેલ્લાં 15 દિવસથી પાણી વિતરણ ન થતું હોવાથી મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ગુલાબનગર પાસે આવેલા લાલવાડી આવાસ કોલોનીમાં રહેતાં લોકોને છેલ્લાં ઘણાનં સમયથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ રહેલો છે. જેમાં લાઈટ, લીફટ અને પાણીની સમસ્યાઓ મુખ્ય છે. આ સમસ્યાઓમાં છેલ્લાં 15 દિવસથી આવાસ કોલોનીમાં પાણી વિતરણ થતું ન હતું. જેથી આખરે કંટાળીને આવાસના રહેવાસીઓ દ્વારા વોર્ડ નં.4 ના કોર્પોરેટર રચના નંદાણીયાને રજૂઆત કરી હતી. જેના આધારે કોર્પોરેટર રચના નંદાણિયા અને વિપક્ષી નેતા આનંદ રાઠોડ તથા સ્થાનિક રહેવાસીઓ આજે સવારે મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડીને રજુઆત કરવા ગયા હતાં અને આવાસ કોલોનીમાં ઘણાં સમયથી પડતર રહેલી સમસ્યાઓનું નિવારણ કરવા માંગણી કરી હતી. જેથી કમિશનરે આ સમસ્યાનો ઉકેલ સત્વરે કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.