કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામમાં રહેતા પશ્ચિમ બંગાળના યુવાને તેના રૂમમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામમાં રહેતી યુવતીને વીજશોક લાગતા મોત નીપજ્યું હતું. કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામમાં રહેતી યુવતીએ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. કલ્યાણપુર તાલુકાના રાણ ગામમાં રહેતો યુવાન અને ખંભાળિયામાં રહેતા વૃધ્ધનું હ્રદયરોગના હુમલાથી મોત નીપજ્યું હતું.
બનાવની વિગત મુજબ પ્રથમ બનાવમાં પશ્ચિમ બંગાળના બીરભુમ જિલ્લાના પૂરનધરપૂર વિસ્તારનો વતની અને હાલ કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામમાં રહેતો શુભરા શુભરંજન ડેય (ઉ.વ.30) નામના પરપ્રાંતીય યુવાને રવિવારે સાંજે તેના ભાડાના મકાનમાં અગમ્ય કારણોસર રૂમની છતના પંખામાં દોરડા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યાના કર્યાના બનાવ અંગેની આશિષભાઇ દ્વારા કરાયેલી જાણના આધારે કલ્યાણપુર પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પી.એમ. માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.
બીજા બનાવમાં કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામમાં રહેતા લખમણભાઇ હમીરભાઇ રાઠોડ નામના યુવાનની પુત્રી રીંકલબેન (ઉ.વ.20) નામની યુવતી તેના ઘરે લીપણ કામ કરવાનું હોવાથી ફળિયામાં માચણ નાખ્યું હતું અને તેમાં પાણી નાખવા માટે મોટર ચાલુ કર્યા બાદ બંધ કરી હતી. ત્યારબાદ યુવતી દ્વારા ઇલેકટ્રીક પ્લગમાંથી મોટરનું દોરડું કાઢવા જતાં સમયે યુવતીને હાથમાં વીજશોક લાગતા બેશુધ્ધ થઇ જવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનુ મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગેની મૃતકના પિતા દ્વારા જાણ કરાતા કલ્યાણપુર પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજા બનાવની વિગત અનુસાર કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામમાં રહેતા અરશીભાઇ મેઘાભાઇ સોલંકી નામના યુવાનની પરિણિત પુત્રી જયશ્રીબેન અનિલભાઇ પરમાર (ઉ.વ.20)નામની યુવતી છેલ્લા 15 દિવસથી ઉદાસ રહેતી હતી અને મનમાં ખોટા વિચારો આવતા હોવાથી કંઇ ગમતુ નહોતું. આ પરિસ્થિતિથી કંટાળીને વ્યથિત થઇ શનિવારે સાંજે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતા અરશીભાઇ દ્વારા જાણ કરાતાં કલ્યાણપુર પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પી.એમ. માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોથા બનાવમાં કલ્યાણપુર પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના રાણ ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા રાજાભાઈ જીવાભાઈ સોનગરા નામના 41 વર્ષના દલવાડી યુવાનને પેટમાં દુ:ખાવો ઉપડ્યા બાદ હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગેની જાણ મનસુખભાઈ રાજાભાઈ સોનગરાએ કલ્યાણપુર પોલીસ કરી છે.
પાંચમા બનાવમાં ખંભાળિયાની વિગતમાં ખંભાળિયાના નવાપરા શેરી નં. 6 ખાતે રહેતા નરેન્દ્રભાઈ હીરાલાલ નકુમ (હાલ રહે. સુરત) નામના 60 વર્ષના વૃધ્ધને ગઈકાલે રવિવારે હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગેની જાણે મૃતકના મોટાભાઈ પરસોતમભાઈ હીરાલાલ નકુમએ અહીંની પોલીસને કરી છે.


