જામનગરના હિતેશભાઈ કેશવલાલ વ્યાસ દ્વારા રાજકોટના દિનેશભાઇ ચકુભાઈ પટેલ તરાવીયાને સંબંધદાવે હાથ ઉછીના રૂા.20,00,000 તથા રૂા.18,45,000 આપ્યા હતાં. જે રકમની પરત ચુકવણી માટે દિનેશભાઈ દ્વારા દેના બેંક રાજકોટનો બે અલગ અલગ ચેકો રૂા.20,00,000 તથા રૂા.18,45,000 નો ચેક આપ્યો હતો. જે ચેકો હિતેશભાઈ દ્વારા પોતાના બેંક ખાતામાં ભરતા નાણાના અભાવે ચેકો પરત ફરતા હિતેશભાઈ દ્વારા પોતાના વકીલ મારફત દિનેશભાઈને નોટિસ આપી હતી. જે નોટિસ મળી જવા છતાં ચેક મુજબની રકમ વસૂલ નહીં આપતા હિતેશભાઈ દ્વારા જામનગરની અદાલતમાં દિનેશભાઇ ચકુભાઈ પટેલ તરાવીયા સામે રૂા.20,00,000 તથા રૂા.18,45,000 ની બે અલગ અલગ ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરી હતી. જે કેસ જામનગર એડીશનલ ચીફ જયુડીશિયલ મેજીસ્ટે્રટ આર. બી. ગોસાઈની અદાલતમાં ચાલી જતાં અદાલત દ્વારા આ બંને કેસોમાં આરોપી દિનેશભાઈ ચકુભાઈ પટેલ તરાવીયાને બે-બે વર્ષની સાદી કેદની સજા તથા બંને કેસોમાં રૂા.20 લાખ તથા રૂા.18,45,000 ના દંડનો હુકમ કર્યો છે અને દંડની રકમ ફરિયાદીને વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. આરોપી દંડની રકમ ભરપાઈ કરવામાં કશુર કરે તો બંને કેસોમાં વધુ ચાર ચાર માસની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે. આ બંન્ને કેસોમાં ફરિયાદી તરફે વકીલ ભગીરથસિંહ એલ. ઝાલા રોકાયા હતાં.