દિલ્હી એરપોર્ટ પરથી યુગાંડાની બે મહિલા પાસેથી 90 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. યુગાંડાની આ મહિલાઓ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (આઇજીઆઇ) પર ઉતરી હતી ત્યારે જ તેની પાસેથી આ ડ્રગ્સ ઝડપાઇ ગયું હતું. તપાસ દરમિયાન મહિલા પાસેથી 12.9 કિલો હેરોઇન મળી આવ્યું હતું. બન્ને મહિલાઓ કેન્યાના નૈરોબીથી અબુધાબી થઇને નવી દિલ્હીના એરપોર્ટ પર આવી હતી. 12-13ની રાત્રીના સમયે આ મહિલાઓ આવી હતી. જે દરમિયાન તપાસ કરાતા તેની પાસેથી 12.9 કિલો હેરોઇન મળી આવ્યું છે જેની માર્કેટ કિમત આશરે 90 કરોડ આંકવામાં આવી રહી છે. આ બન્ને મહિલા તસ્કરો યુગાંડા, કેન્યા અને ભારતમાં ડ્રગ્સ તસ્કરી કરતી હતી અને પૈસાની લાલચમાં તેણે આ ડ્રગ્સ તસ્કરી કરી હોવાની કેફિયત આપી હતી.
વધુમાં મળતી વિગત મુજબ કેન્યાના એક નાગરિકે મહિલાને વચન આપ્યું હતું કે જો તે દિલ્હીમાં આ ડ્રગ્સ પહોંચાડી દેશે તો તેને બહુ જ મોટી રકમ આપવામાં આવશે. જેને પગલે તે કંપાલાથી રોડ માર્ગેથી નૈરોબી ગઇ હતી. જ્યાં તેને કેન્યાના આ નાગરિકે આ ડ્રગ્સનું પેકેટ સોપ્યું હતું. આ પેકેટ દિલ્હીમાં પહોંચાડવાની જવાબદારી તેને સોપવામાં આવી હતી. આ દરમિયાન તેની દિલ્હી આવવાની ટિકિટની વ્યવસૃથા પણ કરવામાં આવી હતી.