જામનગર શહેરના જોડિયા ભુંગા વિસ્તારમાં બાકી રૂપિયાની ઉઘરાણી મામલે યુવક ઉપર બે શખ્સોએ ગાળો કાઢી ઝાડની ડાળી વડે માર મારી લોહીલુહાણ કરી ગંભીર ઇજા પહોંચાડી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરના જોડિયા ભુંગા વિસ્તારમાં દરગાહની બાજુમાં રહેતાં અઝીઝભાઇ છરેચા નામના પ્રૌઢના દીકરાને આઝાદ અસગર ખત્રી પાસેથી રૂપિયા લેવાના હતા. તે બાબતે સોમવારે બપોરના સમયે આઝાદ અસગર ખત્રી અને સાહિલ શબ્બીર સિદિક નામના બે શખ્સોએ પ્રૌઢના પુત્રને ઝાડની જાડી ડાળ વડે આડેધડ માર મારી લોહીલુહાણ કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ આર. બી. ઠાકોર તથા સ્ટાફે બે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


