ખંભાળિયા નજીકના ભાણવડ માર્ગ પર ગઈકાલે શુક્રવારે વહેલી સવારે પુરપાટ વેગે જઈ રહેલા એક ટ્રકના ચાલકે સામેથી આવી રહેલા ડબલ સવારી મોટરસાયકલ સાથે અકસ્માત સર્જતા બાઈક સવાર સાળા-બનેવીના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા.

આ કરૂણ બનાવની વિગતે એવી છે કે ખંભાળિયા તાલુકાના આંબરડી ગામે રહેતા સોમાતભાઈ ભીખાભાઈ ડોડીયા નામના 42 વર્ષના યુવાન તાલુકાના નવા તથિયા ગામે રહેતા તેમના બનેવી જીવાભાઈ સવાભાઈ કરમુર (ઉ.વ. 40) ને તેમના ડ્રીમ યુગા મોટરસાયકલ નંબર જી.જે. 37 સી. 3263 પર સાથે લઈને ખંભાળિયામાં આવેલી સૂકી ખેતી ખાતે તેમની જણસ નાખવા માટે નીકળ્યા હતા. શુક્રવારે સવારે આશરે 6:30 વાગ્યાના સમયે તેઓ ખંભાળિયાથી આશરે ત્રણ કિલોમીટર દૂર ગંગા જમના હોટલ પાસે પહોંચ્યા, ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 ટી. 5498 નંબરના એક ટ્રકના ચાલકે સોમાતભાઈના મોટરસાયકલને સામેથી ટક્કર મારી હતી.
આ જીવલેણ ટક્કરમાં સોમાતભાઈ તથા તેમના બનેવી જીવાભાઈ સવાભાઈ કરમુરને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ થતા તેમના મોત નીપજ્યા હતા. આ બનાવ અંગે મૃતક સોમાતભાઈના મોટાભાઈ રામદેભાઈ ભીખાભાઈ ડોડીયા (ઉ.વ. 40, રહે. આંબરડી) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસ ટ્રકના ચાલક સામે જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
સાળા- બનેવીના એક સાથે થયેલા અકાળે અવસાનથી મૃતકના પરિવારજનોમાં આક્રંદની લાગણી પ્રસરી જવા પામી છે.