જામનગર શહેર અને જિલ્લામાં બેદરકાર પોલીસકર્મીઓની તાત્કાલિક બદલીના આદેશ કરાયા બાદ જિલ્લા પોલસવડા દ્વારા છ પીએસઆઈ અને આઠ પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીના આદેશ કરવામાં આવ્યા છે. હાલમાં જ એલસીબી દ્વારા દારૂના દરોડા બાદ પંચકોશી બી ડીવીઝનના પોલીસકર્મીઓની તાત્કાલિક બદલી કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ વડાએ વધુ કડક પગલાં લઇ પોલીસબેડામાં ફેરફાર કર્યા છે.
આ અંગેની વિગત મુજબ, જામનગરના ઇન્ચાર્જ પોલીસવડા નિતેશ પાંડેય દ્વારા બેદરકાર પોલીસકર્મીઓ સામે કડક પગલાં લઇને પંચકોશી-બી ડિવિઝનના સાત પોલીસકર્મીઓની બદલીઓઓના આદેશ કર્યા હતાં. ત્યારબાદ છ પીએસઆઇની જિલ્લામાં આંતરીક બદલી અને આઠ પોલીસકર્મચારીઓની બદલીના આદેશ કરાતા પોલીસબેડામાં ફફડાટ ફેલાઇ ગયો છે. પોલીસ વડા દ્વારા કરાયેલા બદલીના આદેશમાં સિક્કા પીએસઆઇ જે.ડી. પરમારને પંચકોશી-બી ડિવિઝનમાં, સીટી-એ ડિવિઝનના ડી.સી. ગોહિલને પંચ-બી(સેકન્ડ પીએસઆઇ), પંચકોશી-બી ડિવિઝનના સી.એમ. કાંટેલિયાને સીટી-બી ડિવિઝનમાં, સીટી-બી ડિવિઝનના વાય.બી. રાણાને મેઘપર પોલીસ સ્ટેશનમાં, મેઘપર પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.આર. સિસોદીયાને સીટી-એ ડિવિઝનમાં અને એસઓજીના પીએસઆઇ વી.કે. ગઢવીને સિક્કા પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે.
તેમજ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં રવિન્દ્રસિંહ મહાવીરસિંહ જાડેજા, ભાવેશકુમાર હરિભાઇ લાબરીયાને પંચકોશી-એ ડિવિઝનમાં અને સીટી-એ ડિવિઝનના હિરા બાબુભાઇ સાદીયાને પંચકોશી-એ ડિવિઝનમાં તેમજ લાલપુર પોલીસ સ્ટેશનના ચંદુલાલ દેવદાનભાઇ જાટીયાને પંચકોશી-એ ડિવિઝનમાં, સીટી-બી ડિવિઝનના વિરભદ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજાને પંચકોશી-એ ડિવિઝનમાં, લાલપુર પોલીસ સ્ટેશનના વિરેન્દ્રસિંહ પ્રવિણસિંહ સોઢાને પંચકોશી-એ ડિવિઝનમાં, સીટી-બી ડિવિઝનના વહીવટી રાઇટર હેડ હંસરાજભાઇ કરશનભાઇ વૈષ્ણવને સીટી-બી ડિવિઝનમાં ફોર્સમાં અને પોલીસ હેડ કવાર્ટરના બેન્ડ વિભાગના પુરીબેન પૂજાભાઇ ડાંગરને શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય બાબત એ છે કે, હાલમાં જ જામનગર શહેર અને જિલ્લામાં ચોરીના બનાવો વધી ગયા છે અને શહેર તથા જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને લોકોની સુરક્ષા માટે પોલીસવડા દ્વારા જિલ્લાના પોલીસ વિભાગોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જો કે, પોલીસ દ્વારા ચોરીના બનાવો ડીટેકશન કરવાની કામગીરી પણ ઝડપી બનાવી દીધી છે.