જામનગર શહેરના રાજપાર્ક વિસ્તારના ઢાળિયા પાસેથી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે ઘરકામ કરતી બે મહિલા સહિત ત્રણ શખ્સોને ઈંગ્લીશ દારૂના ચપટાની હેરાફેરી કરતાં ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર શહેરના જૂના રેલવે સ્ટેશન પાસેથી પસાર થતા દારૂની બોટલો સાથે ઝડપી લીધો હતો.
દારૂ અંગેના દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના રાજપાર્ક વિસ્તારમાં ઢાળિયા પાસે દારૂની હેરાફેરી કરાતી હોવાની એલસીબીને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઇ જે.વી. ચૌધરી તથા સ્ટાફ દ્વારા શીલાબેન ફ્રાન્સીસ સ્વામી, ભગવતીબેન વિજય સ્વામી તથા ઉમેશ મુળજીભાઈ રાઠોડ નામના ત્રણ શખ્સોને આંતરીને તલાસી લેતા તેમની પાસેથી રૂા.25,000 ની કિંમતની ઈંગ્લીશ દારૂના 250 નંગ ચપટા મળી આવતા એલસીબીની ટીમે 10 હજારની કિંમતના બે મોબાઇલ ફોન અને દારૂના જથ્થા સહિત રૂા.35,000 નો મુદ્દામાલ કબ્જે કરી બે મહિલા સહિતના ત્રણ શખ્સોની અટકાયત કરી ગુનો નોંધી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફને સોંપી આપ્યા હતાં. જેના આધારે પીએસઆઈ આર.પી. અસારી તથા સ્ટાફે વધુ પૂછપરછ આરંભી હતી.
બીજો દરોડો, જામનગર શહેરના જૂના રેલવે સ્ટેશન પાસેથી જાહેરમાં પસાર થતા મનિષ ચંદ્રકાંત મોહિત નામના શખ્સને સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાસી લેતા મનિષના કબ્જામાંથી રૂા.2500 ની કિંમતની પાંચ બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવતા પોલીસે મનિષની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.