જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે 27 વર્ષ જૂના કસ્ટોડિયલ ડેથ કેસમાં વિશેષ સીબીઆઈ કોર્ટે બે નિવૃત્ત અને એક સેવા આપતા ભારતીય વાયુસેનાના ઓફિસરોને દોષિત ઠેરવ્યા છે અને તેમને આજીવન કેદની સજા ફટકારી છે.સીબીઆઈના વિશેષ ન્યાયાધીશ એન ડી જોશીની અદાલતે ગુરુવારે તત્કાલિન સ્ક્વોડ્રન લીડર અનૂપ સૂદ, અધિકારી અનિલ કે એન અને મહેન્દ્ર સિંહ શેરાવતને આજીવન કેદની સજા સંભળાવી છે. સીબીઆઈ દ્વારા આજે જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું હતું કે, સૂદ અને અનિલ પહેલેથી જ સેવામાંથી નિવૃત્ત થઈ ચૂક્યા છે, જ્યારે શેરાવત હજુ પણ સેવામાં છે. આ ત્રણેયને એરફોર્સ-1, જામનગરમાં રસોઈયા તરીકે કામ કરતા ગિરજા રાવતની હત્યા માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
કેસની વિગતો મુજબ ગિરજા રાવત જામનગરના એરફોર્સ-1 ના DSC મેસમાં રસોઈયા હતા.તા. 11 નવેમ્બર, 1995ના રોજ એરફોર્સ કેન્ટીન માંથી દારૂની 94 બોટલ ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી અને સૂદ સહિત એરફોર્સના આશરે 10 થી 12 પોલીસ અધિકારીઓએ રાવતના નિવાસસ્થાને શોધખોળ હાથ ધરી હતી અને આ ચોરી રાવતે કરી હોવાની શંકાએ બળજબરીથી અધિકારીઓ તેને સાથે લઇ ગયા હતા. અને રાવતને ચોરીની કબૂલાત કરાવવા માટે ટોર્ચર કર્યા હતા.
એરફોર્સના ઓફીસરે સર્ચ માટેનો હુકમ કર્યો હતો અને તે દરમિયાન ગીરજાના રાવતના સિવિલિયન ક્વાર્ટસ માંથી દારૂની બોટલો મળી આવી હતી. અને તેને પોલીસના ગાર્ડરૂમમાં લઇ જવામાં આવ્યા. ત્યારબાદ તે જ દિવસે સાંજે ગીરજા રાવતની પત્નીએ ગાર્ડ રૂમની મુલાકાત લીધી અને અધિકારીઓને તેના પતિને મુક્ત કરવા વિનંતી કરી અને કહેવામાં આવ્યું કે તેને ટૂંક સમયમાં મુક્ત કરવામાં આવશે. પરંતુ આરોપીઓએ તેને કથિત રીતે ત્રાસ આપ્યો હતો, જેના કારણે બીજા દિવસે એટલે કે 13 નવેમ્બરના રોજ તેનું મૃત્યુ થયું હતું. પીએમ રીપોર્ટ મુજબ મૃતકને માર મારવામાં આવ્યો હતો અને શોક આપવામાં આવ્યો હતો જેથી હેમરેજ અને ગંભીર ઈજાઓથી તેનું મૃત્યુ નીપજ્યું હતું.
આ અંગે તા.14-11-1995ના રોજ જામનગર સીટી બી ડીવીઝન પોલીસ દફતરમાં રાવતની પત્નીએ ફરિયાદ નોંધાવી હતી . ત્યારબાદ 2012 માં, ગુજરાત હાઈકોર્ટે રાવતની પત્નીની અરજી મુજબ તપાસ સીબીઆઈને સોંપી હતી. સંપૂર્ણ તપાસ બાદ સીબીઆઈએ જુલાઈ 2013 માં 8 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં એક ફરાર આરોપી જેએસ સિદ્ધુનો સમાવેશ થાય છે, જેઓ જામનગરના એરફોર્સ પોલીસના તત્કાલીન વડા હતા. તમામ આઠ સામે IPC કલમ 120, 302, 331, 348 અને 177 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. સીબીઆઈ કોર્ટે હવે તમામ આરોપોમાં ત્રણને દોષિત ઠેરવ્યા છે અને અન્ય ત્રણ લોકો જેમાં ચક્રવર્તી, મજુમદાર અને કટારિયાને નિર્દોષ જાહેર કર્યા છે જ્યારે એક ફરાર સિદ્ધુ સામેની સુનાવણી બાકી છે. અને મહાવીર પ્રસાદના સામે કેસ યથાવત છે.