Friday, November 13, 2026
Homeરાજ્યજામનગરફટાકડા આપવાની ના પાડતા યુવક ઉપર ત્રણ શખ્સો દ્વારા છરી વડે હુમલો

ફટાકડા આપવાની ના પાડતા યુવક ઉપર ત્રણ શખ્સો દ્વારા છરી વડે હુમલો

જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં ઘર પાસે ફટાકડા ફોડવાની બાબતે ત્રણ શખ્સોએ યુવાન સાથે ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો. જ્યારે સામાપક્ષે ત્રણ શખ્સે તરૂણ અને તેના મિત્રને ફડાકા ઝિંકી છરી વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાની સામસામી ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ દિવાળીના સપરમા તહેવારમાં ફટાકડા ફોડવાની બાબતે જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં રહેતાં દિવ્યરાજસિંહ ભરતસિંહ જાડેજા નામનો યુવક તેની પત્ની અને મિત્રો સાથે પોતાના ઘર પાસે ફટાકડા ફોડતાં હતાં. તે દરમ્યાન કામિલ ખેરાણી, અયાન સુધાગુનિયા અને આદિલ સુધાગુનિયા નામના ત્રણ શખ્સોએ આવી ફટાકડાની માંગણી કરતાં દિવ્યરાજસિંહે ફટાકડા આપવાની ના પાડતાં ત્રણ શખ્સોએ એકસંપ કરી દિવ્યરાજસિંહ સાથે ઝપાઝપી અને ઝઘડો કરી મારકૂટ કરી હતી. તેમજ ઢીકાપાટુનો માર મારી છરીના આડેધડ ઘા ઝિંકયા હતા. આ હુમલામાં દિવ્યરાજસિંહને ગંભીર ઇજા પહોંચાડી હોસ્પિટલે ન લઇ જવાની ધમકી આપી હતી. જ્યારે સામાપક્ષે દિવ્યરાજસિંહ ઉર્ફે દીવલો, વિજયસિંહ અને ગોવિંદ કોળી નામના ત્રણ શખ્સોએ તેની જીજે10 ઇએમ 7888 નંબરની કારમાં આવીને અયાન તથા તેના મિત્ર કામિલ સાથે ઝપાઝપી અને ફડાકા મારી મુંઢ ઇજાઓ પહોંચાડી હતી. તેમજ અયાન ઉપર છરીનો છરકો કરી દીધો હતો. તેમજ ઘર પાસે આવીશ તો મારી નાખીશ તેવી ધમકી આપી હતી.
સામસામી થયેલી મારામારીમાં બે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ ડી. કે. ગોહિલ તથા સ્ટાફે દિવ્યરાજસિંહની ત્રણ શખ્સો સામે તથા અયાનની ત્રણ શખ્સો સામે સામસામી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular