Wednesday, October 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં સાડા ત્રણ ઇંચ વરસાદ, વીજળી પડતા યુવતીનું મોત

જામનગર જિલ્લામાં સાડા ત્રણ ઇંચ વરસાદ, વીજળી પડતા યુવતીનું મોત

જામનગર શહેર અને જિલ્લામાં વ્યાપક વરસાદ વરસ્યો : સામાન્ય ઝાપટાથી સાડા ત્રણ ઈંચ જેટલું પાણી પડયું : સમાણામાં વધુ ધોધમાર સાડા ત્રણ ઈંચ : હડિયાણામાં ત્રણ ઈંચ: જામજોધપુરમાં બે અને લાલપુર તથા જોડિયામાં દોઢ-દોઢ ઈંચ: જામનગર શહેરમાં એક ઈંચ

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં ચોમાસાની સીઝનમાં શરૂઆત થયા પછી મેઘરાજાએ વિરામ રાખ્યો હતો અને આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન સામાન્ય ઝાપટાથી સાડા ત્રણ ઈંચ જેટલું પાણી આકાશમાંથી વરસાવ્યું હતું. વરસાદી માહોલ વચ્ચે આકાશી વીજળી ત્રાટકતા એક મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે એક યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

- Advertisement -

આ વર્ષે ચોમાસાની સીઝનની શરૂઆત દર વર્ષ કરતા થોડી મોડી થઈ હતી અને શરૂઆતમાં સામાન્ય ઝાપટાથી બે ઈંચ જેટલો વરસાદ વરસ્યા પછી મેઘરાજા એ વિરામ કરી દેતા હાલારવાસીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. દરમિયાન છેલ્લાં 24 કલાકમાં જામનગર શહેર અને જિલ્લામાં સામાન્ય ઝાપટાથી સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આજે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસતા ગામમાં સર્વત્ર પાણી-પાણી થઈ ગયું હતું અને ખેતરોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા હતાં અને જોડિયા તાલુકાના હડિયાણા ગામમાં ધોધમાર ત્રણ ઈંચ જેટલું પાણી વરસ્યું હતું તથા બાલંભામાં બે અને પીઠડમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે જામજોધપુર તાલુકાના શેઠવડાળા અને ધ્રાફામાં અઢી-અઢી ઈંચ તેમજ વાંસજાળિયામાં બે ઈંચ તથા ધુનડા, પરડવા અને જામવાડીમાં દોઢ-દોઢ ઈંચ વરસાદ પડયાના અહેવાલ છે.

જ્યારે જામનગર તાલુકાના મુખ્ય મથકોમાં સૌથી વધુ જામજોધપુરમાં બે ઈંચ સમયાંતરે ધીમી ધારે અને કયારેક ઝાપટારૂપે પાણી વરસ્યું હતું. તેમજ લાલપુરમાં કટકે-કટકે અડધો-અડધો ઈંચ વરસાદના જોરદાર ઝાપટારૂપે વધુ દોઢ ઈંચ પાણી પડયું છે તથા જોડિયામાં સમયાંતરે સવા ઈંચ અને જામનગર શહેરમાં છૂટા છવાયા ઝાપટારૂપે એક ઈંચ પાણી આકાશમાંથી વરસ્યું હતું તથા ધ્રોલ અને કાલાવડમાં વધુ અડધો-અડધો ઈંચ વરસાદ પડયાના અહેવાલ છે. જિલ્લામાં આજ સવાર સુધીમાં નોંધાયેલા વરસાદ બાદ મોસમનો કુલ વરસાદ જામનગર 157 મિ.મી. (6.25 ઈંચ), જોડિયામાં 195 મિ.મી. (7.8 ઈંચ), ધ્રોલમાં 132 મિ.મી. (5.4 ઈંચ), કાલાવડ 246 મિ.મી. (9.84 ઈંચ), લાલપુરમાં 221 મિ.મી. (8.84 ઈંચ) અને જામજોધપુરમાં 293 મિ.મી. 11.72 ઈંચ) વરસાદ નોંધાયો છે.

- Advertisement -

જામનગર તાલુકાના મોટી બાણુંગારમાં ધોધમાર બે ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે વસઈમાં દોઢ, ફલ્લામાં સવા અને દરેડ તથા લાખાબાવળમાં એક-એક ઈંચ અને મોટી ભલસાણમાં પોણો ઈંચ પાણી વરસ્યું હતું. જ્યારે અલિયાબાડામાં સામાન્ય ઝાપટું પડયું હતું. તાલુકા વિસ્તારમાં પડેલા વરસાદને કારણે જામનગર તાલુકાના દોઢીયા ગામના વાડી વિસ્તારમાં આકાશી વિજળી પડતા યુવતીનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવક દાઝી જતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ધ્રોલ તાલુકાના લૈયારા અને જાલિયાદેવાણીમાં અડધો-અડધો ઈંચ ઝાપટારૂપે અને લતીપુરમાં સામાન્ય છાંટા પડયાના અહેવાલ છે. ઉપરાંત કાલાવડ તાલુકાના નિકાવા અને ભલસાણ બેરાજામાં ધોધમાર સવા બે ઈંચ વરસાદ વરસ્યો હતો અને મોટાપાંચદેવડામાં પોણા બે તથા નવાગામમાં સવા અને મોટાવડાળામાં એક ઇંચ પાણી વરસ્યું હતું. ખરેડીમાં સામાન્ય ઝાપટા પડયાના અહેવાલ છે.

ઉપરાંત લાલપુર તાલુકાના પીપરટોડા, હરીપર અને મોડપરમાં દોઢ-દોઢ ઈંચ વરસાદ પડયો હતો. જ્યારે મોટા ખડબામાં સવા ઈંચ અને પડાણામાં એક તથા ભણગોરમાં વધુ અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular