Tuesday, December 3, 2024
Homeરાજ્યહાલારભાણવડ મેઘમહેર: મુશળધાર સાડા ત્રણ ઈંચ વરસાદ

ભાણવડ મેઘમહેર: મુશળધાર સાડા ત્રણ ઈંચ વરસાદ

ખંભાળિયાના કેટલાક ગામોમાં 3 ઈંચ સુધી વરસાદ: ખંભાળિયામાં વંટોળિયો પવન ફૂંકાયો: ભાટિયાની બજારોમાં પાણી વહ્યા

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ ગઈકાલે પુન: મેઘસવારી આવી ચડી હતી. જેમાં સૌથી વધુ ભાણવડ તાલુકામાં નોંધપાત્ર સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસી જવા પામ્યો છે. જ્યારે કલ્યાણપુર તાલુકાના દોઢ અને ખંભાળિયા તાલુકામાં પોણો ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આશરે એકાદ સપ્તાહની વરસાદી બ્રેક બાદ ગઈકાલે મંગળવારે વાતાવરણ પલટાયું હતું. જેમાં ખાસ કરીને ખંભાળિયા શહેરમાં ગત સાંજે સાડા ચાર વાગ્યે વંટોળિયો પવન ફૂંકાયો હતો અને ઠેર-ઠેર કચરાનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. આટલું જ નહીં, વજનમાં હલકી ચીજ વસ્તુઓ ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી ગઈ હતી. મંગળવારે સાંજે ખંભાળિયા – ભાણવડ પટ્ટીના માંઝા, ભટ્ટગામ, લલિયા, તથીયા વિગેરે ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ગામોમાં બે થી ત્રણ ઈંચ સુધી વરસાદ વરસી જતા ઠેર ઠેર પૂર જેવા પાણી ચાલી નીકળ્યા હતા.

ખંભાળિયા શહેરમાં તેજ ફૂંકાયેલા પવન તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસેલા ઝાપટાથી વાતાવરણ ઠંડુ બની રહ્યું હતું. ભારે પવનના પગલે શહેરનાં કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને લો વોલ્ટેજના પ્રશ્નો પણ ખાડા થયા હતા. આ પછી ગતરાત્રે આશરે દસેક વાગ્યે વરસાદનું એક જોરદાર ઝાપટું વરસી જતા ગતરાત્રિ સુધીમાં કુલ 19 મીલીમીટર વરસાદ પડી ગયો હતો. ઘી ડેમમાં નવા નીરની ધીમી આવક શરૂ થઈ હતી.

- Advertisement -

આ પછી મેઘરાજાએ વિરામ રાખ્યો હતો અને આજે સવારે વાતાવરણમાં ઉઘાડ વચ્ચે સૂર્યનારાયણના દર્શન થયા હતા.જિલ્લામાં મંગળવારે સૌથી વધુ ભાણવડ પંથકમાં વરસાદ નોંધાયો હતો. ગત સાંજે આશરે પાંચેક વાગ્યાથી ધીમીધારે શરૂ થયેલો વરસાદ ગતરાત્રિના 10 થી 2 દરમિયાન મુશળધાર વરસ્યો હતો અને આશરે સાડા ત્રણ ઈંચ જેટલું (84 મીલીમીટર) પાણી વરસાવી દીધું હતું. જેના પગલે માર્ગો તેમજ ખેતરો પાણીથી તરબતર થઈ ગયા હતા. ત્યાર બાદ વરસાદી બ્રેક રહી હતી.
ગત

સાંજે કલ્યાણપુર પંથકમાં પણ ભારે વરસાદી ઝાપટા વરસ્યા હતા અને ધીમીધારે કુલ 32 મી.મી. પાણી પડી ગયું હતું. તાલુકાના ભાટિયા ગામે સાંજના આ ધોધમાર વરસાદના કારણે બજારોમાંથી પાણી વહેવા લાગ્યા હતા. આ ઉપરાંત તાલુકાના લાંબા, હર્ષદ વિગેરે ગામોમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના પગલે ટંકારીયાથી પ્રેમસર ગામે જતા રસ્તામાં બેઠા પુલ પર પાણી ભરાઈ ગયા હતા. જેથી સ્થાનિક લોકોએ દોરડા વડે રસ્તો પાર કરાવ્યો હતો.

- Advertisement -

જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં આજના આ વરસાદથી ખેતરોમાં પાકને નોંધપાત્ર ફાયદો થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular