જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતી પરિણીતા સાથેનો પ્રેમસંબંધ પૂર્ણ થયા બાદ આ પ્રેમસંબંધ ચાલુ રાખવાની ના પાડતાં યુવતીને પૂર્વ પ્રેમી સહિતના ચાર શખ્સોએ જેમ ફાવે તેમ ગાળો કાઢી, ધમકી આપી યુવતીના દિયરને ઇજા કર્યાના બનાવમાં પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતી કાજલબેન રાહુલભાઇ ચાવડા (ઉ.વ.22) નામની યુવતીને દશરથ ઝાખલિયા સાથે દોઢ વર્ષ પહેલાં પ્રેમસંબંધ હતો અને ત્યારબાદ બે મહિનામાં પ્રેમસંબંધ તોડી નાખી તેણીના પતિ સાથે રહેવા જતી રહી હતી. ત્યારબાદ દશરથને કાજલબેન સાથે ધરાર પ્રેમસંબંધ રાખવો હોય પરંતુ પરિણીતાએ આ સંબંધ રાખવાની ના પાડી હતી. જેથી દશરથે બુધવારે પરિણીતાને ફોન કરીને બોલાવી હતી. જ્યાં દશરથ ઝાખલિયા અને તેના ત્રણ અજાણ્યા મિત્રો સહિતના ચાર શખ્સોએ જેમ ફાવે તેમ ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ પથ્થરના ઘા કરી પરિણીતાના દિયર સતિષભાઇને ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે યુવતી દ્વારા પોલીસમાં જાણ કરાતાં એએસઆઇ એચ. એન. જાડેજા તથા સ્ટાફે ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ આદરી હતી.


