જામનગર શહેરના મોહનનગર વિસ્તારમાં બાળકોને શેરીમાં દડેથી રમવા ન દેવાની બાબતે બે પરિવારજનો વચ્ચે થયેલી માથાકૂટમાં સામસામા કરાયેલા હુમલામાં ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં જકાતનાકા પાસે આવેલા મોહનનગર શેરી નં.1 માં મિહીર વિદ્યાલયની પાછળ મકાન નંબર 26/બી માં રહેતાં રીટાબેન કિશોરભાઈ પરમાર નામના મહિલાનો દિકરો જીગર રવિવારે સવારના સમયે તેના ઘર પાસે શેરીમાં દડેથી રમતો હતો તે તેની બાજુમાં રહેતા પ્રેમજીભાઈ નકુમના પરિવારને ગમતું ન હતું. જેથી પ્રેમજીભાઈએ જીગરને જેમ ફાવે તેમ ગાળો કાઢી હતી અને ત્યારબાદ રમિલાબેન પ્રેમજીભાઇ નકુમ અને રવિ પ્રેમજી નકુમ નામના માતા પિતાએ આવીને લાડકીઓ વડે રીટાબેન અને તેના પતિ કિશોરભાઈ ઉપર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. ઉપરાંત માતા-પિતા દ્વારા કરાયેલા હુમલામાં પતિ-પત્ની બંનેને ઈજા પહોંચી હતી અને ગાળો કાઢી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
સામાપક્ષે શેરીમાં દડેથી રમવાની બાબતે કિશોર પરશોતમ પરમાર અને તેની પત્ની રીટાબેન કિશોર પરમાર નામના દંપતીએ રમિલાબેન પ્રેમજી નકુમ અને તેના પુત્ર રવિ ઉપર લાકડી વડે હુમલો કરી માતા અને પુત્રને ઈજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી. બાળકને દડેથી રમવા દેવાની નજીવી બાબતે બંને પરિવારો વચ્ચે સામાસામા કરાયેલા હુમલામાં લાકડી હુમલામાં ચાર વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવની જાણના આધારે પીએસઆઈ એન.પી. જોશી તથા સ્ટાફે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.