કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં પાનબીડીની દુકાનમાં તસ્કરો ત્રાટકયા હતાં અને તમાકું, સીગારેટ, ચાંદીના સીક્કા તથા રોકડ સહિત કુલ રૂા.84,700 ની કિંમતના માલસામાનની ચોરી થયા અંગેની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના નિકાવા ગામે આવેલ માટેલ સેલ્સ એજન્સીમાં ગઈકાલે તા.05 ના રોજ રાત્રિના સમયે બે અજાણ્યા શખ્સો દિવાલના ઉપરના ભાગે બાંકોડુ પાડી દુકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી દુકાનમાં પડેલ રૂા.40000 ની રોકડ તેમજ રૂા.15000 ની કિંમતના 50 નંગ ચાંદીના સીક્કા, રૂા.13500 ની કિંમતના 12 નંગ બાગબાન તમાકુના 200 ગ્રામના ડબલા, રૂા.8400 ની કિંમતના 500 ગ્રામના બાગબાન તમાકુના ત્રણ નંગ ડબલા, રૂા.6400 ની કિંમતના બાગબાનના પાઉંચના 30 પેકેટ, રૂા.500 ની કિંમતના સીગારેટના પાંચ પેકેટ તથા રૂા.900 ની કિંમતના વિમલના બે પેકેટ સહિત કુલ રૂા.84,700 ની કિંમતના મુદ્દામાલની ચોરી થયા અંગેની સુધીરભાઈ રમેશભાઇ ફળદુ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
આ અંગે દુકાનમાં લાગેલ સીસીટીવીમાં બે અજાણ્યા તસ્કરો મોઢે કપડુ વીટી ચોરી કરતાં જોવામાં આવ્યાં હોય, દુકાનમાલિકની ફરિયાદના આધારે કાલાવડ ગ્રામ્યના પીએસઆઈ વી.એ. પરમાર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાંં આવી હતી.