જામનગર શહેરમાં ઘણાં વર્ષોથી જાહેર માર્ગો પર અબોલ પશુઓના અડીંગાને કારણે અવાર-નવાર અકસ્માતો થાય છે. ઉપરાંત શહેરમાં છેલ્લાં થોડા સમયથી જાહેર માર્ગો પર રખડતા અબોલ પશુઓ દ્વારા શહેરીજનો ઉપર હુમલા કરવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. પરંતુ મહાનગરપાલિકા દ્વારા શહેરની ગંભીર અને શહેરીજનો માટે જોખમી કહી શકાય તેવી આ સમસ્યાના નિરાકરણ માટે લાંબાગાળાનું કોઇ આયોજન કરવામાં આવતું નથી. માત્ર પ્રજાના પૈસાનો વેડફાટ કરી ટૂંકાગાળાના આયોજનો કરવામાં આવે છે. હાલમાં જ દરેક વોર્ડમાં મુખ્ય રોડ પર રોજમદારોની નિમણૂંક કરી રોડ પર રખડતા ભટકતા અબોલ પશુઓને તગેડી મૂકવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. પરંતુ થોડો સમય રોજદારોએ જાહેર રોડ પરથી પશુઓને હટાવી કામગીરી કર્યા બાદ મહાનગરપાલિકાની બેદરકારીને કારણે આ કામગીરી બંધ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ ફરીથી અબોલ પશુઓનો ત્રાસ વધવાથી રોજમદારોને જાહેર માર્ગો પર પશુઓ હટાવવાની ફરજ સોંપવામાં આવી છે. તેમ છતાં શહેરના રાજમાર્ગો પર અબોલ પશુઓનો મેળાવડો દરેક રોડ પર દરેક સમયે જોવા મળી રહ્યો છે. બે દિવસ પહેલાં પીએન માર્ગ પર ગૌશાળા જેવો માહોલ જોવા મળ્યો હતો ત્યારબાદ આજે ફરી પંચેશ્ર્વર ટાવર રોડ પર અબોલ પશુઓના મેળાવડાને કારણે ટ્રાફિક અવરજવરને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ભય સાથે માર્ગ પસાર કરવો પડે તેવી સ્થિતિ સર્જાય છે.