જામનગર શહેરના પોશ વિસ્તાર એવા વાલ્કેશ્વરીનગરીમાં રહેતા એડવોકેટના બંધ મકાનમાંથી 40 તોલા સોનુ અને 22 લાખની રોકડ સહિતની માલમતાની ચોરીના બનાવમાં મુખ્ય સુત્રધાર મહિલાને સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે 8 લાખની રોકડ સાથે દબોચી લઇ વધુ પૂછપરછ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના વાલ્કેશ્વરીનગરી વિસ્તારમાં રહેતા એડવોકેટ રાજેશ અનંતભાઈ શેઠના બંધ મકાનમાંથી ગત તા.23 આોગષ્ટના દિવસે અજાણ્યા તસ્કરોએ દરવાજાના તાળા તોડી મકાનમાંથી 12 લાખની કિંમતનું 40 તોલા સોનુ અને, 150 ગ્રામ ચાંદી અને 22 લાખની રોકડ સહિતની માલમતાની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. ચોરી દરમિયાન એડવોકેટને પરિવાર બહારગામ ગયો હતો ત્યારબાદ પરત આવતા લાખોની રોકડ અને દાગીનાની ચોરીના બનાવમાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં. દરમિયાન આ ચોરીના બનાવમાં મુખ્ય સુત્રધાર મહિલા નાસતી ફરતી હતી. જેની પીએસઆઈ ડી.એસ. વાઢેર તથા એએસઆઈ હિતેશ ચાવડાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી નાયબ પોલીસ અધિક્ષક જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેકટર વાય.જે. વાઘેલા, પીએસઆઈ ડી.એસ.વાઢેર, એએસઆઈ હિતેશભાઈ ચાવડા, હેકો પ્રદ્યુમનસિંહ જાડેજા, રાજેશભાઈ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, પો.કો. ધર્મેન્દ્રસિંહ જાડેજા, સંજયભાઈ પરમાર, યુવરાજસિંહ જાડેજા, પ્રદિપસિંહ રાણા, વનરાજભાઈ ખવડ, કલ્પેશભાઈ અઘારા, વિપુલભાઈ ગઢવી, મહિલા પોલીસ કોન્સ્ટેબલ પૂર્ણાબા જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી રેલવે સ્ટેશન નજીક આવેલા બુ્રકબોન્ડ ગ્રાઉન્ડ પાસેથી વિમલાબેન બાબુરામ મોંગીયા (રહે. બન ગામ પોસ્ટ સોંજના તા. ગુલાબગંજ જી. વીદીશા રા. મધ્યપ્રદેશ) નામની આદિવાસી મહિલાને આંતરીને પૂછપરછ કરી તલાસી લેતા તેના થેલામાંથી રૂા.8,05,000 ની રોકડ રકમ મળી આવી હતી.
પોલીસે મહિલાની પૂછપરછ કરતા મહિલા પોલીસની પૂછપરછમાં ભાંગી પડી હતી અને તેણીએ જામનગર શહેરમાં બે મહિના પહેલાં એડવોકેટના મકાનમાંથી લાખોની રોકડ અને દાગીનાની ચોરી કરી હતી. જેમાં ભાગબટાઈમાં આઠ લાખની રોકડ મળી હોવાની કેફીયત આપતા પોલીસે મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.


