સગીરા સાથે દુષ્કર્મના કેસમાં એક શખ્સને અદાલત દ્વારા 20 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. તેમજ ભોગ બનનારને કમ્પનસેશન પેટે રૂા.6 લાખ ચૂકવવા પણ આદેશ કરવામાં આવ્યો છે.
આ અંગેની વિગત મુજબ, ગત તા. 20-1-2021 ના રોજ ફરિયાદીની સગીર વયની પુત્રી દુધની ડેરીએ દુધ લેવા ગઈ હતી. ત્યારે અબ્દુલ રહીમ બુખારી (ઉ.વ.50) નામના શખ્સે ભોગ બનનારને બોલાવી કહ્યું હતું કે, બેટા તારું કામ છે જેથી ભોગ બનનાર આરોપી પાસે જતા આરોપીએ ભોગ બનનારને તેડી લઇ અંદરથી ડેરી બંધ કરી ભોગ બનનાર સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આ અંગે પંચકોશી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આરોપી અબ્દુલ રહીમ હારુન બુખારી વિરૂધ્ધ પોકસો સહિત વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાઇ હતી. જે કેસ પોકસો સ્પેશિયલ કોર્ટમાં ચાલી જતાં સરકાર તરફે ફરિયાદી, ભોગ બનનાર, અન્ય સાહેદો, ડોકટર તથા પોલીસને તપાસી માધવી કે ભટ્ટ દ્વારા આરોપીને પોકસોની કલમ 4 મુજબ 20 વર્ષની સખ્ત કેદની સજા તથા રૂા.5000 દંડ, કલમ 6 મુજબ 20 વર્ષ સખ્ત કેદ તથા રૂા.5000 નો દંડ, કલમ 8 મુજબ પાંચ વર્ષની સજા તથા રૂા.2000 નો દંડ, કલમ 12 મુજબ 3 વર્ષની સજા તથા રૂા.1000 નો દંડ અને દંડની તમામ રકમ ભોગ બનનારને આપવી તેમજ કમ્પનસેશનના રૂા.6 લાખ ભોગ બનનારને વળતર પેટે ચૂકવવા સ્પેશિયલ કોર્ટના જજ દ્વારા હુકમ કરાયો છે. આ કેસમાં સરકારી વકીલ તરીકે ભારતી વાદી રોકાયા હતાં.