જોડિયા તાલુકાના હડિયાણા ગામમાં રહેતી મહિલાની 3 વર્ષથી થયેલી બ્લડ પ્રેશર અને થાયરોઇડની બિમારીથી કંટાળીને તેના ઘરે ઝેરી ટિકડા ખાઇ આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. કાલાવડ તાલુકાના ટોડા ગામના વાડી વિસ્તારમાં આવેલાં ખેતરમાં ખેતીકામ સમયે અકસ્માતે પગ લપસી જતાં ટ્રેકટરની રાપ ગુપ્તભાગે ફરી વળતાં યુવકનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.
આ અંગેની વિગત મુજબ જોડિયા તાલુકાના હડિયાણા ગામમાં રહેતા ગીતાબેન કિશોરભાઇ નકુમ(ઉ.વ.39)નામના મહિલાને છેલ્લાં 3 વર્ષથી થયેલી બ્લડપ્રેશર અને થાયરોઇડની બિમારીથી કંટાળીને સોમવારે સવારના સમયે તેના ઘરે ઝેરી ટીકડા ખાઇ આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયા તેમનું સારવાર કારગત નિવડે તે પહેલાં મોત નિપણજયું હતું. આ બનાવની જાણ તેના પતી કિશોર સવજી નકુમ દ્વારા કરતાં એએસઆઇ જી.સી.અઘેરા તથા સ્ટાફે હોસ્પિટલે પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ કાલાવડ તાલુકાના ટોડા ગામમાં રહેતા જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા(ઉ.વ.22) નામનો યુવક મંગળવારે સાંજના સમયે સીમમાં આવેલાં ખેતરમાં ખેતીકામ કરતો હતો તે દરમ્યાન અકસ્માતે લપસીને ટ્રેકટરના પાછળ આવેલી રાપના ભાગે આવી જવાથી યુવકના ગુપ્તભાગે રાપ ફરી વળતા ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયાં તેમનું મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના ભાઇ સિધ્ધરાજસિંહ દ્વારા જાણ કરાતા હેકો. પી.કે.વાધેલા તથા સ્ટાફ હોસ્પિટલે પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.