દેવભૂમિ દ્વારકામાં થોડા સમય પૂર્વે બિચ્છુ ગેંગના સભ્યો સામે પોલીસ તંત્રએ કડક હાથે કાર્યવાહી કરી અને સરકારના આકરા એવા ગુજસીટોકના કાયદા અન્વયે આરોપીઓને ઝડપી લઇ, જેલ હવાને કરવાની કામગીરી કરવામાં આવી હતી. તે પૈકીના કેટલાક આરોપીઓ જામીન પર છૂટ્યા બાદ જિલ્લામાં પ્રવેશબંધીની શરતનું ઉલ્લંઘન કરી, અહીં આવી ગયા હોવાથી જિલ્લા પોલીસ દ્વારા આ શખ્સોને ઝડપી લઇ, કડક હાથે કામગીરી કરવામાં આવી હતી. આ સાથે વિવિધ પ્રકારે સર્ચ-કોમ્બિંગ કાર્યવાહી પણ કરાઈ હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ દ્વારકા તાલુકાના ખતુંબા, મેવાસા, ટોબર, મીઠાપુર, રંગાસર વિગેરે ગામોમાં પોલીસ અધિકારીઓ તેમજ તેમની ટીમ દ્વારા વ્યાપક પ્રમાણમાં સર્ચ ઓપરેશન તેમજ કોમ્બિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં તાજેતરમાં ગુજસીટોકના ગુનામાંથી જામીન ઉપર છૂટીને બિચ્છુ ગેંગના કેટલાક આરોપીઓની હાલની ચાલ ચલગત અને હાજરી હોવાનું ધ્યાને આવ્યું હતું. આવા આરોપીઓને મદદ કરનારા કે આશરો આપનારા અથવા જિલ્લામાં પ્રવેશવામાં સગવડતા કરી આપનારા શખ્સો સામે ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ તેમજ સાગર રાઠોડ દ્વારા એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલ તેમજ તેમની ટીમ દ્વારા બારીકાઈથી તપાસ હાથ ધરવામાં આવી હતી.
જેમાં ડ્રોન જેવા આધુનિક સંસાધનોનો ઉપયોગ કરીને જુદા જુદા વિસ્તારમાં સર્ચ તેમજ કોમ્બિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન આરોપીઓ તેમજ તેની સાથે સંબંધ ધરાવતા શખ્સોની ખરાઇ કરી અને તેઓના વાહન ડીટેઈન કરવામાં આવ્યા હતા તેમજ અટકાયતી પગલા પણ લેવામાં આવ્યા હતા.
હાઈકોર્ટ દ્વારા આરોપીઓને અપાયેલા શરતી જામીનનો ભંગ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોપીઓ પ્રવેશ્યા હોવાથી તેમજ અહીં વસવાટ કરતા હોવાથી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ જામીન રદ કરવાની કામગીરી પણ પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી.
ઓખા મંડળમાં બિચ્છુ ગેંગ પુન: કાર્યરત ન થાય તે હેતુથી સ્થાનિક પી.આઈ. ટી.સી. પટેલ, ડી.એચ. ભટ્ટ, પી.એસ.આઈ. આર.એચ. સુવા, વિગેરે દ્વારા બિચ્છુ ગેંગના સદસ્યો તેમજ તેઓના મળતિયાઓને ઝડપી લેવા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં માનસંગ ધાંધાભા સુમણીયા, રાયદેભા ટપુભા કેર અને નિરૂભા વાલાભા માણેક તેમજ અન્ય શખ્સો પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કરતા કલ્યાણપુર પોલીસ સ્ટેશનની હર્ષદ ચેક પોસ્ટ ખાતે ફરજ પર રહેલા પી.એસ.આઈ. અને પોલીસ સ્ટાફ પર ક્રેટા કાર ચડાવવાની કોશિશ કરીને પોરબંદર તરફ નાસી છૂટ્યા બાદ આ આરોપીઓને પકડવા માટે પોરબંદર જિલ્લામાં નાકાબંધી કરાવવામાં આવી હતી.
જ્યાં પોરબંદર તાબેના મિયાણી મરીન પોલીસ સ્ટેશનની ચેક પોસ્ટ ખાતે પણ ઉપરોક્ત આરોપીઓએ પોલીસ ઉપર વાહન ચડાવવા અને બેરીકેટિંગ તોડવાની નોંધાયેલી ઘટના બાદ પોલીસ દ્વારા સઘન કોમ્બિંગ કરીને ક્રેટા વાહન સાથે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ગુનો કલ્યાણપુર તેમજ મિયાણી મરીન પોલીસ મથકમાં નોંધાતા પોલીસ દ્વારા આરોપીઓના ગુજસીટોકના મળેલા જામીન રદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.