Sunday, July 21, 2024
Homeરાજ્યજામનગરડિજિટલ યુગમાં મુસાફરોને શિર્ષાસન કરાવતું એસટી તંત્ર

ડિજિટલ યુગમાં મુસાફરોને શિર્ષાસન કરાવતું એસટી તંત્ર

ટિકીટની પ્રિન્ટ નથી તો નવી ટિકિટ ખરીદો ! : ઓનલાઈન ટિકીટ બુકિંગ કરાવતા મુસાફરોના મોબાઇલમાં જીએસઆરટીસી દ્વારા ટિકિટની માહિતીનો ટેકસ્ટ મેસેજ મોકલવામાં આવે છે તે ટેકસ્ટ મેસેજ મુસાફરી વખતે માન્ય નથી ટિકીટની પ્રિન્ટ જ જોઇએ તેવો દુરાગ્રહ રાખતા જીએસઆરટીસીના કર્મચારીઓ : એડવાન્સ બુકીંગમાં એસટી બસ સ્ટેન્ડથી ઓનલાઈન ટીકીટ બુક કરી હોય તો તેની ડુપ્લીકેટ સોફટ કોપી જીએસઆરટીસીના સ્ટાફ પાસે કોમ્પ્યુટરમાં ઉપલબ્ધ હોવી જોઇએ કે નહીં?

- Advertisement -

ભારત જ્યારે ડિજિટલ ઈન્ડિયાના નવા રૂપમાં પોતાને ઢાળી રહ્યું છે ત્યારે જીએસઆરટીસી (ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન) ડિજિટલ સિસ્ટમને શિર્ષાસન કરાવી બસ મુસાફરોની અગવડો અને મૂંઝવણોને વધારી રહ્યું છે.

- Advertisement -

બસની ઓનલાઈન ટિકીટ બુકીંગની વાત કરીએ તો, ઈ ટિકીટ જનરેટ થાય તેને ડાઉનલોડ કરી જોવામાં આવે તો તેમાં અંગ્રેજીમાં માહિતી લખી હોય કે, ‘ઓળખપત્ર સાથે મુસાફરે ઈ-ટિકીટની પ્રિન્ટ આઉટ પણ સાથે રાખવી.’ ડિજિટલ ઈ-ટિકીટ મુસાફરના મોબાઇલમાં જોઇ કંડકટર પોતાના લિસ્ટમાં મુસાફરનું નામ, સીટ નંબર ચેક કરી તેનું ઓળખપત્ર ચકાસી મુસાફરી કરવા માટે સહમતિ આપે. પરંતુ, ઈ-ટિકીટની પ્રિન્ટ પણ સાથે રાખવાની તેવો નિયમ શા માટે ?

મને તાજેતરમાં એસટી બસની મુસાફરીમાં ટિકીટ અંગે થયેલા કડવા અનુભવની વાત કરું તો તા.04/07/2024 ના રોજ મારે ભૂજથી જામનગર રાત્રે 08:00 વાગ્યાની (ભૂજ-દ્વારકા) નામની એસટી સ્લીપર) એસટી બસમાં આવવાનું હતું. સાંજે 07:41 વાગ્યે મને મોબાઇલમાં ટેકસ્ટ મેસેજ આવ્યો જેમાં બસનું પીકઅપ સ્ટેન્ડ ભૂજ, પીએનઆર નંબર, તારીખ-સમય, બસનો નંબર લખેલો હતો. મેં બસમાં સામાન ચઢાવી મારા મોબાઇલનો ટેકસ્ટ મેસેજ જ્યારે કંડકટરને બતાવ્યો તો તેણે કહ્યું કે, આ મેસેજ ના ચાલે. કારણ કે તમે કાઉન્ટર ટિકીટ જામનગર એસ ટી બસ ડેપોથી એડવાન્સ ઓનલાઈન બુક કરી છે. ટિકિટની પ્રિન્ટ બતાવો. મેં તેમને કહ્યું કે મારી પાસે ટિકિટની પ્રિન્ટ નથી પણ તમે તમારા લિસ્ટમાં ચેક કરી લો મારી ત્રણ નંબરની સીટ છે મારૂ નામ તોરલ ઝવેરી છે અને આ ઓળખપત્ર ચકાસી લો. તેણે પોતાની પાસે રહેલું લીસ્ટ ચેક કર્યુ ‘હા’ કહી પછી કહે એ બધું બરોબર છે પણ ટિકીટની પ્રિન્ટ તો જોશે જ !

- Advertisement -

બસ ઉપડવાનો સમય થઈ રહ્યો હતો એટલે મેં દોડીને ભૂજ ઈન્કવાયરી કાઉન્ટર પર કહ્યું કે, તમે લોકો મને ઓનલાઈન સિસ્ટમમાં જોઇ આપો અથવા તે ટિકીટની ડુપ્લીકેટ ટિકીટ કોમ્પ્યુટરમાં જનરેટ થઈ હોય તો એકસ્ટ્રા ચાર્જ લઇ તેની પ્રિન્ટ આપો. તો તેમણે જણાવ્યું કે એવું ન હોય, ભલે પીએનઆર નંબરવાળો તમારો ટેકસ્ટ મેસેજ હોય ટિકીટની પ્રિન્ટ જોઇએ જ નહીં તો નવી ટિકીટ ખરીદ!

ફરી હું દોડીને બસમાં ચઢી કેમ કે, બસ ઉપડી રહી હતી. કંડકટરને મેં કહ્યું કે, હું ટ્રાય કરું છું કે, જામનગર એસટી બસ સ્ટેશનથી મેં આ ટિકીટ લીધી હતી તો ત્યાંથી કદાચ ડુપ્લીકેટ ટિકીટ મળી જાય તો તમને ફોટો બતાવું મોબાઇલમાં.

- Advertisement -

મેં ચાલુ મુસાફરીએ એક પરિચિતને ફોન કરી જામનગર એસટી બસ સ્ટેન્ડ તાત્કાલિક દોડાવ્યા તેમણે ઓનલાઈન બુકીંગ કાઉન્ટર પર જઈ વાત કરી તો રાત્રે 08:00 વાગ્યા આસપાસ ત્યાં ફરજ પર રહેલા નયનભાઈ બારોટ નામના કર્મચારી એ તેમને જવાબ આપ્યો કે ટિકીટ ખોવાઈ ગઈ એ ન ચાલે નવી ટિકીટ ખરીદો. તો પેલા ભાઈએ વિનંતી કરી કે, મુસાફરના મોબાઇલમાં, પીએનઆર નંબર, બસ નંબર વગગેરે તમામ વિગતો છે, કંડકટરના લિસ્ટમાં બેનનું નામ પણ છે તો ટિકીટની પ્રિન્ટ જ જોઇએ એવું શા માટે ? નયનભાઈએ અકળાઇને વ્યંગ અને તોછડાઈથી જવાબ આપ્યો કે, મારી પાસે સમય નથી નહીં તો તમને હું બહુ સારી રીતે સમજાવત! મુસાફરો સાથે એસટી સ્ટાફ કેવું વર્તન કરે છે તે અંગે એસટી મેનેજર સાહેબે થોડા કલાસ લેવાની જરૂર લાગે છે.

બીજી તરફ, ભૂજ – દ્વારકાની બસમાં કંડકટરનું રટણ ચાલું હતું કે, તમારી પાસે ટિકીટની પ્રિન્ટ નથી આવું ન ચાલે. (આ કેવો જીએસઆરટીસીનો નિયમ! ) જીએસઆરટીસી દ્વારા જ મુસાફરના મોબાઇલમાં પીએનઆર નંબર, બસ નંબર, તારીખ-સમયની વિગતો મોકલવામાં આવે, કંડકટર પોતાના લીસ્ટમાં વિગતો ચકાસે, મુસાફરનું ઓળખપત્ર ચકાસે તો પણ જીએસઆરટીસી એ જ મોકલેલો ટેકસ્ટ મેસેજ માન્ય ન રાખે. જો એક મહિલા પત્રકારને મધ્યરાત્રિની મુસાફરીમાં આવી માનસિક ત્રાસદાયક પરિસ્થિતિનો સામનો કરવો પડયો હોય. તો સામાન્ય મુસાફરોના તો કેવા હાલ થતા હશે ?

આ અંગે જામનગર એસટી બસ સ્ટેન્ડના મેનેજર નિશાંત વરમોરાને પૂછતા, તેમણે પણ લાચારી દર્શાવતા જણાવ્યું કે, નિયમ છે પ્રિન્ટ જોઇએ.

મુળ મુદો એ છે કે, જીએસઆરટીસી જે નિયમો બનાવે છે તે મુસાફરોની સગવડ માટે છે કે અગવડ વધારવા ! ઈ-ટિકીટ કે કાઉન્ટર ટિકીટની પ્રિન્ટનો જ દુરાગ્રહ રાખી કાગળ બગાડવા હોય તો દરેક બસમાં જ પ્રિન્ટર રાખવા જોઇએ.

કંડકટરને જ્યારે સમજાવ્યું કે, જામનગરથી ડુપ્લીકેટ ટિકીટનો ફોટો આવશે એટલે હું તમને બતાવીશ તો કહે ફોટો ન ચાલે પ્રિન્ટ જ જોઇએ.

કોઇ મુસાફરને કોઇ ઈમરજન્સી હોય અને પોતે બસ ટિકીટ લેવા ન જઈ શકે અને પોતાના કોઇ પરિચિતને બસ સ્ટેન્ડે મોકલી ઓનલાઈન એડવાન્સ બુકીંગ કરાવે બાદમાં તે પરિચિત તેમને મોબાઇલથી તે ટિકીટનો ફોટો મોકલી દે, અને મુસાફરના મોબાઇલમાં તો ટિકીટ બુકીંગનો ટેકસ્ટ મેસેજ જનરેટ કરવામાં જ આવે છે, જીએસઆરટીસી દ્વારા તો આ રીતે મુસાફરીને સગવડ સચવાઇ જાય.

જીએસઆરટીસી એ ટિકિટ બુકીંગના નિયમોને માનવતા અને વાસ્તવિકતાના ધોરણોથી ચકાસી જરૂરી સુધારા-વધારા કરવાની જરૂર છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular