જામનગરના ડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા એનડીઆરએફની ટીમે શહેર અને જિલ્લામાં જુદાં-જુદાં શૈક્ષણિક સંકુલો અને સરકારી કર્મચારીઓને આપાતકાલિન સ્થિતિમાં કેવી રીતે સ્વબચાવ કરવો અને અન્ય વ્યક્તિઓની જિંદગી કેમ બચાવવી તે અંગેના સેમિનારો યોજવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત જામનગર શહેરમાં ટાઉનહોલ વિસ્તારમાં આવેલ નેશનલ ફાયર એકેડમીના વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી.
કુદરતી આફત સામે જાનમાલનું રક્ષણ કરવા તેમજ લોકોને બચાવી સમયસર સુરક્ષિત સ્થળે ખસેડવા અથવા તો ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર કેમ આપવી અને હોસ્પિટલ સુધી પહોંચાડવા સહિતની કામગીરીનો લાઈવ ડેમોસ્ટે્રશન જામનગરમાં રહેલી એનડીઆરએફની ટીમ દ્વારા શહેર અને જિલ્લામાં શૈક્ષણિક સંકુલો અને સરકારી વસાહતોમાં સેમિનાર યોજવામાં આવી રહ્યા છે. આ સેમિનારો જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીના માર્ગદર્શન હેઠળ ડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવે છે. હાલમાં જામનગર જિલ્લામાં ફરજ બજાવતી એનડીઆરએફની ટીમ દ્વારા ગુરૂવારે જામનગરના ટાઉનહોલ પાસે આવેલી નેશનલ ફાયર એકેડમીના 65 વિદ્યાર્થીઓને એન.ડી.આર.એફ. ના ઇન્સ્પેકટર રાજેશ મહાલાવત તથા વેદ પ્રકાશ અને ટીમ દ્વારા કુદરતી આપત્તિ સમયે જાનમાલનું રક્ષણ કરવા તેમજ લોકોને બચાવી લઈ સમયસર સુરક્ષિત સ્થળે અથવા ઇજાગ્રસ્ત ને પ્રાથમીક સારવાર આપીને હોસ્પિટલ સુધી પહોંચાડવા વગેરેનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરાયું હતું.
કુદરતી અને માનવ સર્જિત આફતમાં કઈ રીતે કામગીરી કરવી તેનું જુદા જુદા માધ્યમોથી તેમજ ઘરેલુ ઉપયોગમાં આવતી હોય તેવી પાણીની બોટલો, ઓઇલના ખાલી ડબલા, સૂકા નારિયેળ, પાણીની ગાગર, લાકડાની પટ્ટીઓ જેવા ઉપકરણો વડે ઉપરાંત પુરની પરિસ્થિતિમાં બોટમાં કેવી રીતે લઇ જવા અને સૌ પ્રથમ કઇ વ્યક્તિઓને પ્રાથમિકતા આપવી તે અંગેનો લાઇવ ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું હતું સાથો સાથ એનડીઆરએફની ટીમ કુદરતી આપત્તિ સમયે કયા સાધનોની મદદથી બચાવ કાર્યને ઝડપી હાથ ધરી શકે છે તે સાધનોનું પણ સ્થળ પર નિદર્શન કરવામાં આવ્યું હતું. આ તાલીમ સેમિનારમાં નેશનલ ફાયર એકેડમીના ડાયરેકટર નેમિષ મહેતા, ટ્રસ્ટી કે.ડી.વાડિયા, ઈન્સ્ટ્રકટર આર.પી. મીઠાણી, મહેબુબ જાડેજા તેમજ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ જામનગરના અનવર ગજણ ઉપસ્થિત રહ્યાં હતાં. નેશનલ ફાયર એકેડમી ડાયરેકટર નેમિષ મહેતા દ્વારા જામનગરના સ્થાપના દિન નિમિત્તે એનડીઆરએફના ઈન્સ્પેકટર સહિતની ટીમનું સ્મૃતિચિન્હ આપી આભાર માન્યો હતો.