ખંભાળિયાના જલારામ નગર વિસ્તારમાં શુક્રવારે રાત્રે તસ્કરોએ ખાતર પાડી અને જુદા જુદા સ્થળોએ રહેતા ત્રણ આસામીઓના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડ વિગેરે મળી કુલ રૂપિયા 5.70 ના મુદ્દામાલની ચોરી થયાનો બનાવ બનવા પામ્યો છે.
આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયાના રેલવે સ્ટેશન નજીક આવેલા ધરમપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતા જલારામ નગરમાં પટેલ બેટરીની પાછળના ભાગે રહેતા વિજયભાઈ રવજીભાઈ ચોપડા નામના એક વેપારી યુવાનના ઘરમાં શુક્રવારે મોડી રાત્રિના આશરે 10 વાગ્યાથી શનિવારે સવારે 4:30 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન તસ્કરોએ અનધિકૃત રીતે પ્રવેશ કર્યો હતો. ઉનાળાના કારણે ગરમી હોવાથી ખુલ્લા રહેલા બારણા વાટે પ્રવેશેલા અજાણ્યા તસ્કરોએ આ મકાનમાં રહેલા કબાટમાં રાખવામાં આવેલો રૂપિયા દોઢ લાખની કિંમતનો સોનાનો હાર, રૂ. 75,000 ની કિંમતનો સોનાનો ચેન, રૂ. 10,000 ની કિંમતનું સોનાનું પેન્ડલ, સોનાની વીંટી, સોનાનો દાણો, સોનાનું પેન્ડલ, ચાંદીના સદરાની જોડી તેમજ 20 જેટલા ચાંદીના સિક્કા વિગેરે મળી કુલ રૂપિયા 2,67,500 ની કિંમતના સોના-ચાંદીના દાગીના ઉપરાંત રૂ. 2.95 લાખ રોકડા મળી કુલ રૂપિયા 5,62,500 નો મુદ્દામાલ ઉસેડી ગયા હતા.
વધુમાં જાહેર થયેલી વિગત મુજબ આ વિસ્તારમાં રહેતા લખમણભાઈ રૂડાભાઈ હડીયલના ઘરમાંથી રૂપિયા 5,500 તેમજ અન્ય એક આસામી ચિરાગ પ્રફુલભાઈ કાનાણીના ઘરમાંથી પણ રૂપિયા 2,000 ની રોકડ રકમ મળી, કુલ રૂપિયા 5,70,000 ના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું જાહેર થયું છે.
આમ, રાત્રિના સમયે તસ્કરો જુદા જુદા સ્થળોએથી કુલ રૂપિયા 5,70,000 ના મુદ્દામાલની ચોરી કરીને લઈ ગયા હોવાની ધોરણસર ફરિયાદ વિજયભાઈ ચોપડાએ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, અને આ પ્રકરણમાં એફ.એસ.એલ. તેમજ ફિંગર પ્રિન્ટ એક્સપર્ટની સેવાઓ લઈ અને નજીકના સી.સી. ટી.વી. કેમેરા ચેક કરવા અંગેની પણ કામગીરી હાથ ધરી હતી. પરંતુ પોલીસને કોઈ નક્કર કડી સાંપડી ન હતી. ઘરફોડ ચોરીના આ બનાવે આ વિસ્તારના રહીશોમાં ભારે ફફડાટની લાગણી પ્રસરાવી છે.