રાજકોટમાં છેલ્લા પાંચ દિવસથી વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ રેલ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે, જ્યાં કર્મચારીઓનાં પ્રમોશન સહિતના વિવિધ લાભો સમયસર મળતા નહીં હોવાનો આક્ષેપ રેલવે તંત્ર પર લગાવવામાં આવ્યો છે. રેલવેના ડિવિઝનલ ઓપરેશન મેનેજર રાજકોટમાં આવતા તેની સામે મજદૂર સંઘના રેલ કર્મચારીઓ હંગામો કરી રહ્યા હતા.
તે દરમિયાન RPF પોલીસે મહિલા રેલ કર્મીને ધક્કો મારતા યુનિયન લીડર ભડક્યા હતા. અને કહ્યું હતું કે યુ ડફર, ધક્કો મારવાનો અધિકાર તમને કોણે આપ્યો. લો એન્ડ ઓર્ડર તમારા હાથમાં ન લ્યો, નહિતર પટ્ટા ઉતરતા વાર નહીં લાગે. મહિલા કર્મીને રોકવા જ હોય તો મહિલા પોલીસને બોલાવો. રેલ કર્મચારીઓ દ્વારા તાળીઓ પાડી ‘RPF તેરી ગુંડાગર્દી, નહીં ચલેગી…નહીં ચલેગી..’ અને ‘DRM મુર્દાબાદ…મુર્દાબાદ…’ તથા ‘મજદૂરોસે મત ટકરાઓ’, જેવા નારાઓ લગાવ્યા હતા. અને દેખાવો કર્યા હતા.