Wednesday, October 23, 2024
Homeરાજ્યજામનગરબે યુવાનોને જુદા-જુદા સ્થળોએ લઇ જઇ માર મારવાના કેસમાં બે પીએસઆઇ સહિત...

બે યુવાનોને જુદા-જુદા સ્થળોએ લઇ જઇ માર મારવાના કેસમાં બે પીએસઆઇ સહિત 10 પોલીસ વિરૂધ્ધ ગુન્હો દાખલ કરવા અદાલતનો હુકમ

12 વર્ષ પહેલાં હોટલ સંચાલક સાથે જમવા બાબતે માથાકુટ તથા યુવાનોને પોલીસે માર માર્યો

- Advertisement -

ખબર-જામનગર
લાલપુર તાલુકાના ઝાંખર ગામના પાટિયા પાસે હોટલમાં જમવા ગયેલા બે યુવાનોએ જમવાનું બરોબર નહીં હોવાનું ફરિયાદ કરતાં હોટલ સંચાલક સહિત 10 પોલીસ દ્વારા યુવાનોને માર મારતાં મીઠોઇ ગામના બે યુવાનોને જુદા-જુદા સ્થળોએ લઇ જઇ બેફામ માર મારવાના કેસમાં બે પીએસઆઇ સહિત 10 પોલીસ વિરૂધ્ધ ગુન્હો નોંધવા અદાલત દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.
આ અંગેની વિગત મુજબ મીઠોઇ ગામમાં રહેતા જીતેન્દ્રસિંહ બચુભા વાળા અને તેના મિત્ર મહાવીરસિંહ જાડેજા ગત તા. 10-1-2012ના રોજ ઝાંખર ગામના પાટિયા પાસે આવેલી ચામુંડા હોટલમાં જમવા માટે ગયા હતા. ત્યારે જમવાનું બરોબર ન હોવાની ફરિયાદ કરતા હોટલના સંચાલક વસંતભાઇ તથા હસનભાઇ દ્વારા બન્ને યુવાનો ઉપર હુમલો કર્યો હતો. ત્યારબાદ વાડીનાર પોલીસ સ્ટેશનના પીએસઆઇ પીપરવાડિયાને ફોન કરી બોલાવ્યા હતા. તેઓ પોલીસ સ્ટાફના અભિજીતસિંહ, પ્રવિણસિંહ, શકિતસિંહ, નિર્મળસિંહ સાથે આવી પહોંચ્યા હતા. જે તમામ દ્વારા હોટલ સંચાલકો સાથે એક સંપ કરી યુવાનોને મારકૂટ કરી ત્યાંથી વાડીનાર પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. જયાં રાત્રિના પણ પોલીસ દ્વારા તેમની સાથે મારકૂટ કરવામાં આવી હતી. બીજા દિવસે સવારે એલસીબી ખાતે લઇ જઇ ત્યાં પણ માર મારવામાં આવ્યો હતો. એલસીબીના પીએસઆઇ આલ, પો.કો. બાબભા, જયુભા, રણમલભાઇ, ભરતસિંહ સહિતના સ્ટાફના સ્ટાફે લાકડી તથા ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ ફરી ઝાંખર પાટિયે તથા મીઠોઇ ગામે અને વાડીનાર ગામમાં લઇ જઇ ત્યાં પણ જાહેરમાં માર માર્યો હતો અને વાડીનાર પોલીસ સ્ટેશનની બહાર બોલેરો જીપ પકડાવી માર માર્યો હતો.
ત્યારબાદ બન્ને યુવાનો સામે પીએસઆઇ પીપરવાડિયા પર જીવલેણ હુમલો કરવા અંગે ગુન્હો નોંધી ધરપકડ કરી અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. અદાલત દ્વારા ફરિયાદી તથા તેના મિત્ર મહાવીરસિંહને થયેલી ઇજા જોઇ ન્યાયધિશે સારવાર કરાવવા હુકમ કરતાં જી.જી. હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. ત્યારબાદ અદાલતમાં ફરિયાદ કરાઇ હતી. આ ફરિયાદના અનુસંધાને રજુ થયેલા લેખિત તથા મૌખિક દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લઇ ચામુંડા હોટલના સંચાલક હસનભાઇ વીંઝપરા, વસંતભાઇ રબારી, વાડીનાર પોલીસ સ્ટેશનના પીએસઆઇ હુશેનભાઇ પીપવારિયા, વાડીનાર પોલીસ સ્ટેશનના પો.કો. શકિતસિંહ, નિર્મળસિંહ, અભિજીતસિંહ, પ્રવિણસિંહ, એલસીબીના પી.એસ.આઇ. આલ, પો.કો. બાબભા, જયુભા, રણમલભાઇ તથા ભરતસિંહ વિરૂધ્ધ ગુન્હો દાખલ કરવા લાલપુર મેજીસ્ટ્રેટ એમ.એચ. મકવાણા દ્વારા હુકમ કરવામા આવ્યો છે.
આ કેસમાં ફરિયાદી તરફે વકીલ નિખિલ બુધ્ધભટ્ટી, પાર્થ સામાણી, સમર્થ વેકરીયા રોકાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular