Wednesday, October 23, 2024
Homeરાજ્યગુજરાતકળિયુગી શ્રવણ... મિલકત માટે પિતાની હત્યા નિપજાવાઈ

કળિયુગી શ્રવણ… મિલકત માટે પિતાની હત્યા નિપજાવાઈ

ક્રાઈમ પેટ્રોલ સીરીયલ જોઈને પોલીસથી બચવા માટે કર્યું હતું આયોજન : દ્વારકાના લાડવા ગામની સીમમાં વૃદ્ધની થયેલી કરપીણ હત્યા પ્રકરણમાં આરોપી પુત્રને ઝડપી લેવાયો

- Advertisement -

ખબર-ખંભાળિયા
દ્વારકા તાબેના લાડવા ગામે તા. 4 ના રોજ રાત્રિના સમયે એક વૃદ્ધની બોથડ પદાર્થ વડે ઘાતકી હત્યા નીપજાવવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ દ્વારા તાકીદની કાર્યવાહી કરી અને ઊંડાણપૂર્વકની તપાસ બાદ મૃતકના પુત્ર દ્વારા મિલકતની લાલચમાં પોતાના પિતાની ઘાતકી હત્યા નિપજાવ્યાનું ખુલવા પામ્યું હતું. આ પ્રકરણમાં પોલીસે આરોપી એવા પીજીવીસીએલના આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિશીયન પુત્રની અટકાયત કરી લીધી છે.
આ સમગ્ર બનાવની સિલસિલાબંધ વિગત મુજબ દ્વારકા નજીક આવેલા લાડવા ગામની સીમમાં રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા મોહનભાઈ ભીમાભાઈ સોનગરા નામના આશરે 60 વર્ષની ઉંમરના સતવારા વૃદ્ધ ગત તા. 4 જુલાઈના રોજ પોતાના ખેતરમાં રખોપું કરવા માટે રાત્રિના સમયે સૂતા હતા. ત્યાર બાદ બીજા દિવસે તેમનો લોહી નીતળતો મૃતદેહ ખાટલા પરથી સાંપળ્યો હતો. જે અંગે મૃતકના પુત્ર સતીશ મોહનભાઈ સોનગરાની ફરિયાદ નોંધણી દ્વારકા પોલીસે આરોપીને ઝડપી લેવા માટે વિવિધ દેશોમાં તપાસ આરંભી હતી.
પોલીસની પૂછતાછમાં મૃતક મોહનભાઈનો મોટો પુત્ર રાજેશ કે જે પીજીવીસીએલમાં આસિસ્ટન્ટ ઈલેક્ટ્રિશીયન તરીકે ફરજ બજાવે છે, તે પોતાના પિતાને હેરાન પરેશાન કરવાના આશયથી અવારનવાર તેમના ઘર નજીક રોડ પર જઈ અને સ્ટ્રીટ લાઇટ બંધ કરી દેતો હતો. આટલું જ નહીં, તેમના પર ઘર પર પથ્થરના ઘા પણ ફેંકતો હતો. આ કૃત્યનું મૂળ એ હતું કે આરોપી રાજેશ દલવાડીને પોતાના પિતા પાસે જમીનમાંથી ભાગ જોઈતો હતો અને અવારનવાર ભાગની માંગણી પણ કરતો હતો. આ પછી પોલીસે મૃતકના પુત્ર રાજેશની અટકાયત કરી, અને આગવી ઢબે પૂછપરછ કરતા પોપટ બનીને તેમણે પોતાના પિતાની હત્યાનો ગુનો કબૂલી લીધો હતો.
આ પ્રકરણમાં પોલીસ દ્વારા વધુ જાહેર કરવામાં આવેલી વિગત મુજબ આરોપી મોઢે માસ્ક પહેરીને પોતાના પિતાની રેકી દરમિયાન આરોપી રાજેશના ધ્યાને આવ્યું હતું કે તારીખ 4 ના રોજ પોતાના પિતા મોહનભાઈએ ખેતરમાં વાવણી કરી હોવાથી રાત્રિના સમયે તેઓ ખેતરનું રખોપું કરવા જવાના હોવા અંગેની માહિતી તેમને મળી હતી. આથી રાજેશે પ્લાન બનાવી અને પોતે ત્યાં આવેલા મંદિરના દર્શન કરવાના બહાને જઈ ખેતરે પોતાના ઈલેક્ટ્રીકના અનુભવથી મેઈન લાઈનના ટી.સી. એ જઈ અને લાઈન કટ કરી, ખેતરે જઈને વાડીના ઝાટકાના વાયર કાપીને મોહનભાઈને જગાડ્યા હતા.
અહીં આવ્યા પૂર્વે પોતે પહેરેલો શર્ટ તથા બાઈક બદલાવીને છૂપી રીતે પ્રવેશ કરીને અહીં તેણે કંઈ પણ પૂછપરછ કર્યા વગર પોતે પોતાના ઘરેથી સાથે લઈને આવેલ લોખંડની હથોડીથી મોહનભાઈના માથાના ભાગે મારી અને તેમનું મૃત્યુ નિપજાવી દીધું હતું. હત્યા નિપજાવ્યા બાદ તેણે રસ્તામાં હથોડી પાણીથી ધોઈને ઘરે પરત આવી જઈ, પોતાના કપડા ધોઈ નાખ્યા હતા. બાદમાં વહેલી સવારના સમયે પોતે કોઈને શંકા ન જાય તે માટે બસ મારફતે જામનગર પહોંચી અને બપોરના સમયે પોતાને જાણ થતા તે પરત આવી, સામાન્ય રીતે વર્તન કરવા લાગ્યો હતો. ઘણા સમયથી યુટ્યુબ પર ક્રાઈમ પેટ્રોલ સીરીયલ જોઈને પોતે પોલીસથી બચવા માટે કેવા કેવા કાવતરા ઘડવા તે જોતો હતો અને તે મુજબ પોતે કોઈ પુરાવાઓ ન છોડે તે માટે ખૂબ બારીકાઈથી પ્લાનિંગ કરી, આ બાબતને અંજામ આપ્યો હતો.
ફૂલપ્રૂફ પ્લાનિંગ વચ્ચે પોલીસ દ્વારા તેની કરવામાં આવેલી પૂછતાછના પ્રશ્ર્નોની આંટીમાં આવી અને આખરે પોલીસ સમક્ષ પોતાના ગુનાની કબુલાત આપી હતી. “જર, જમીન અને જોરુ, આ ત્રણેય કજીયાના છોરું” તે યુક્તિને યથાર્થ કરતા હત્યાના ઉપરોક્ત બનાવનો ભેદ ટૂંકા સમયગાળામાં ઉકેલવા પોલીસને સફળતા મળી હતી. આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલ, દ્વારકાના પી.આઈ. ટી.સી. પટેલ, એસ.ઓ.જી.ના પી.આઈ. પી.સી. સિંગરખીયા, પી.એસ.આઈ. આકાશ બારસીયા, ભાર્ગવ દેવમૂરારી, આર.એસ. સુવા, તેમજ એલ.સી.બી., એસ.ઓ.જી.ની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular