છોટી કાશી ગણાતા જામનગરમાં આવેલ શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મની આચાર્યપીઠ ‘5 નવતનપુરીધામ’ (ખીજડા મંદિર) ના સ્થાપના દિવસ તથા જામનગરમાં આયોજિત તારતમ સાગરની 12,000 પારાયણની અખંડ સ્મૃતિમાં કારતકી પૂનમના પવિત્ર દિવસે ‘પૃથ્વી પરિક્રમા’ (પ્રભાત ફેરી) નું આયોજન કરવામાં આવ્યું હતું.
વહેલા પરોઢિયે 5 નવતનપુરીધામ ખીજડા મંદિર ખાતેથી શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય અનંત વિભૂષિત જગદગુરુ આચાર્ય કૃષ્ણમણિ મહારાજ તેમજ સંતો-મહંતોની પાવન ઉપસ્થિતિમાં આ પૃથ્વી પરિક્રમાનો પ્રારંભ થયો હતો. આ પરિક્રમા શહેરના ઠેબા બાયપાસથી રાજકોટ બાયપાસ વચ્ચે આવેલા 12,000 પારાયણના મુખ્ય સ્થળ ‘મૂલ મિલાવા’ ખાતે પહોંચી હતી. જ્યાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય અનંત વિભૂષિત જગદગુરુ આચાર્ય કૃષ્ણમણિ મહારાજ, સંતો અને ટ્રસ્ટી મનસુખભાઈ સંઘાણી, જી.એલ. તનેજા, કિંજલભાઈ કારસરીયા, કિશનભાઇ વસરા, ભીમશીભાઈ પીઠિયા સહિતના અગ્રણી સુંદરસાથજીએ ધર્મ ધ્વજારોહણ અને પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં સુંદરસાથજી ભાવિકો ઉત્સાહભેર જોડાયા હતા.
View this post on Instagram
આ અવસરે જગદગુરુ આચાર્ય કૃષ્ણમણિ મહારાજે ધર્મના ગૌરવવંતા ઇતિહાસને વાગોળતા જણાવ્યું હતું કે, આજથી 400 વર્ષ પૂર્વે નિજાનંદાચાર્ય સદગુરુ દેવચંદ્ર મહારાજે જામનગરની આ પાવન ભૂમિ પર ભગવાન શ્રીકૃષ્ણજીને પ્રસન્ન કરી શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ અને 5 નવતનપુરીધામની સ્થાપના કરી હતી. શ્રી દેવચંદ્રજીએ દાતણ કરીને તેની બે ફાડ જમીન પર રોપી હતી, તે સ્થળે આજે પણ બે શમી (ખીજડા) ના વૃક્ષો હયાત છે, જેના કારણે જ આ પવિત્ર ધામ ‘ખીજડા મંદિર’ તરીકે જગવિખ્યાત બન્યું છે. શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય અનંત વિભૂષિત જગદગુરુ આચાર્ય કૃષ્ણમણિ મહારાજે પ્રણામી ધર્મના તમામ અનુયાયીઓને નવતનપુરીધામના સ્થાપના દિવસની શુભકામનાઓ અને આશીર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ સુંદરસાથજી ભાવિકોએ ‘મહેર સાગર’ ના પાઠનું પઠન કરીને ધન્યતા અનુભવી હતી.


