જામનગર શહેરની બે ખાનગી હોસ્પિટલમાં કોરોના વેકિસનનો પેઇડ પ્રિકોઝન ડોઝ આપવાનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે કુલ 73 લોકોએ વેકિસનનો પેઇડ ડોઝ લેવડાવ્યો હતો. સરકાર દ્વારા કોરોના વેકિસનનો બુસ્ટર ડોઝ એટલે કે, પ્રિકોઝન ડોઝ પેઇડ કર્યા બાદ જામનગર શહેરમાં ગઇકાલથી બે ખાનગી હોસ્પિટલો સ્પંદન હોસ્પિટલ અને વાલકેશ્ર્વરીમાં આવેલી હ્રી હોસ્પિટલમાં ગઇકાલથી એલિજીબલ લાભાર્થીઓને રૂા. 385ના દરે કોરોના વેકિસનનો પ્રિકોઝન ડોઝ આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે સ્પંદન હોસ્પિટલમાં 32 અને હ્રીં હોસ્પિટલમાં 41 લોકોને પ્રિકોઝન ડોઝ આપવામાં આવ્યો હતો. 18 થી 59 વર્ષની વય જૂથ ધરાવતાં અને બીજો ડોઝ લીધાના 9 માસ પૂર્ણ થયેલ હોય તેવા લોકો પેઇડ પ્રિકોઝન ડોઝ લઇ શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, 60 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનને તેમજ કોરોના વોરિયર્સને ત્રીજો ડોઝ સરકાર તરફથી વિનામૂલ્યે આપવામાં આવે છે.