ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં આવેલી બ્રહ્મ સમાજની કિંમતી જમીન પર ભંગારનો વાળો બનાવી અને ગેરકાયદેસર રીતે કબજો કરી લેતા ઓખાના ગઢવી શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણ અંગે ઓખા નજીકના બેટ દ્વારકા વિસ્તારમાં આવેલી મહાપ્રભુજીની બેઠક ખાતે રહેતા અને સેવા પૂજાનું કામ કરતા પ્રશાંતભાઈ અતુલભાઈ ભટ્ટ નામના 38 વર્ષના બ્રાહ્મણ યુવાને ઓખા મરીન પોલીસ મથકમાં જાહેર કરેલી વિગત મુજબ ઓખાના વાલજી નારણ ગઢવી નામના શખ્સ દ્વારા આશરે દસેક વર્ષના સમયગાળામાં સંસ્થાની સીટી સર્વે નંબર 686 ની આશરે 348 ચોરસ મીટરની જમીન ઉપર ભંગારનો વાળો બનાવી અહીં તેના દ્વારા કબજો કરી લેવામાં આવ્યો હતો.
આશરે રૂપિયા 35 લાખ જેટલી બજાર કિંમત ધરાવતી જમીન પચાવી પાડવા સબબ પ્રશાંતભાઈ ભટ્ટની ફરિયાદ પરથી ઓખા મરીન પોલીસે વાલજી નારણ ગઢવી સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના નાયબ પોલીસ અધિક્ષક દ્વારા હાથ ધરવામાં આવી છે.