રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે સંસદ ભવનમાં પોતાના પ્રથમ સંબોધનમાં કહ્યું હતું કે સરકાર પરીક્ષાઓમાં ગેરરીતિઓને લઈને યુવાનોની ચિંતાઓથી વાકેફ છે. જેને રોકવા માટે કાયદો લાવશે. એવું માનવામાં આવે છે કે કેન્દ્ર સરકારી નોકરીઓ અને કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓના પ્રશ્ર્નપત્ર લીક કરતા સંગઠિત માફિયાઓ વિરુદ્ધ કાયદો લાવવા માટે તૈયાર છે.
પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ ઇન પબ્લિક એક્ઝામિનેશન બિલ, 2024 સોમવારે સંસદમાં રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય કેબિનેટે તાજેતરમાં આ બિલને મંજૂરી આપી હતી. પ્રસ્તાવિત બિલમાં વિદ્યાર્થીઓને નિશાન બનાવવામાં આવશે નહીં, પરંતુ સંગઠિત અપરાધ, માફિયા અને મિલીભગતમાં સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ બિલમાં ઉચ્ચ સ્તરીય તકનીકી સમિતિનો પણ પ્રસ્તાવ છે, જે કોમ્પ્યુટર દ્વારા પરીક્ષા પ્રક્રિયાને વધુ સુરક્ષિત બનાવવા માટે ભલામણો કરશે. આ એક કેન્દ્રીય કાયદો હશે અને તેમાં કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં પ્રવેશ પરીક્ષાઓને પણ આવરી લેવામાં આવશે. અગાઉ, બજેટ સત્રની શરૂઆતમાં સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરતી વખતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ કહ્યું હતું કે સરકાર પરીક્ષાઓમાં ગેરરીતિઓને લઈને યુવાનોની ચિંતાઓથી વાકેફ છે. તેમણે કહ્યું, ’આ દિશામાં કડક પગલા લેવા માટે જ આ નવો કાયદો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.રાષ્ટ્રપતિ મૂર્મુએ તેમના સંબોધનમાં સરકારના સુધારા, પ્રદર્શન અને પરિવર્તનને આગળ ધપાવ્યું છે. પરીક્ષાનું પેપર લીક થવું એ દેશવ્યાપી સમસ્યા બની ગઈ છે, તેથી આ પ્રકારનો પ્રથમ કેન્દ્રીય કાયદો લાવવાની જરૂરિયાત અનુભવાઈ હતી. ગુજરાત જેવા કેટલાક રાજ્યો આ સમસ્યાનો સામનો કરવા માટે પોતાના કાયદા લાવ્યા છે.