જામનગરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાયું છે. 36 ડિગ્રીએ પારો બે દિવસથી સ્થિર થયો છે. શહેરીજનો બપોરના સમયે આકરા તાપથી પરેશાન થઇ રહ્યાં છે. દિવસભર બફારાથી શહેરીજનો અકળાઇ ઉઠે છે. પવનની ગતિ વધુ હોવાથી મોડી સાંજે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી રહી છે.
જામનગર સહિત રાજ્યભરમાં કમોસમી વરસાદ બાદ ફરી અસહ્ય વરમીનો લોકો સામનો કરી રહ્યાં છે. જામનગરમાં કલેકટર કચેરીના કંટ્રોલ રુમના જણાવ્યાનુસાર મહત્તમ તાપમાન 36.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન 26.0 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 78 ટકા તથા પવનની ગતિ 11.3 કિ.મી. પ્રતિ કલાક નોંધાઇ હતી. બે દિવસથી મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાઇ રહ્યું છે. આકરા તાપથી બપોરના સમયે શહેરીજનો બિનજરુરી બહાર નિકળવાનું ટાળી રહ્યાં છે. ગરમીનું પ્રમાણ વધુ હોવાથી શહેરીજનો એસી, કુલરનો સહારો લઇ રહ્યાં છે. ગરમીનું પ્રમાણ વધતાં દિવસના લીંબુ સરબત, શેરડીનો રસ, સોડા, છાસ, લચ્છીની માંગ વધી રહી છે. તો બીજીતરફ ગરમી અને વેકેશન હોય, સાંજના સમયે લોકો બાળકો સાથે બહાર નિકળી રહ્યાં છે અને આઇસ્ક્રીમ, કોલ્ડ્રીંકસ, ઠંડાપીણા, બરફના ગોલા સહિતની ચીજવસ્તુઓનો આનંદ ઉઠાવી રહ્યાં છે.
જામનગર શહેર ઉપરાંત ધ્રોલ, જોડીયા, લાલપુર, કાલાવડ, જામજોધપુર સહીતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગરમીને પરિણામે ખેડૂતો તથા મજૂરો પરેશાન થઇ રહ્યાં છે. ગરમીના કારણે પશુ-પક્ષીઓ પણ ભીના સ્થળોમાં ગરમીથી રાહત મેળવવા સહારો લઇ રહ્યાં છે.


