ઓખામાં કોસ્ટગાર્ડ વિસ્તારમાં રહેતાં પરિણીતાને પોતાના પતિ સાથે સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ પતિએ ઠપકો આપતા તેનું મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ જિંદગી ટુંકાવી હતી.
આ અંગેની વિગત મુજબ, બિહાર રાજ્યના છપરા જિલ્લાના રિવિલગંજ ગામના મૂળ વતની અને હાલ ઓખામાં કોસ્ટગાર્ડ વિસ્તારમાં રહેતા મુસ્કાન કુમારી વિકાસ ભાસ્કર (ઉ.વ.29) નામના મહિલા ગત તા. 6 ના રોજ કોઈ બાબતે ગુસ્સામાં પોતાના ઘરે કંઈક બોલી રહ્યા હતા. જેથી તેમના પતિ વિકાસ ભાસ્કરે તેમને ઊંચા અવાજે ન બોલવા અને શાંતિ રાખીને ખોટો ગુસ્સો ન કરવા બાબતે ઠપકો આપ્યો હતો. જે બાબત અંગે મુસ્કાન કુમારીને મનમાં લાગી આવતા તેમણે પોતાના રહેણાંક મકાનના રૂમમાં આવેલા પંખાના હુકમાં પોતાની ઓઢણી બાંધીને ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગેની જાણ કોસ્ટ ગાર્ડના કર્મચારી એવા મૃતકના પતિ વિકાસ ભાસ્કર બ્રહ્મદેવનારાયણ જ્ઞાનીએ ઓખા મરીન પોલીસને કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


