જામનગર શંકર ટેકરી, સિદ્ધાર્થ કોલોનીમાંથી પોલીસે એક શખ્સને 48 નંગ વિદેશ દારૂના ચપલા સાથે ઝડપી લઇ મોટર સાયકલ સહિત કુલ રૂા. 44,400નો મુદ્ામાલ કબ્જે કર્યો હતો. જામનગરના વિકાસગૃહ રોડ પાસેથી એક શખ્સ 10 નંગ વિદેશી દારૂની બોટલો સાથે ઝડપાયો હતો.
આ દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરમાં શંકર ટેકરી, સિદ્ધાર્થ કોલોની, શેરી નંબર 23માં એક શખ્સના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી ‘સી’ પોલીસે રેઇડ દરમ્યાન જિતેન્દ્ર ઉર્ફ પીન્ટુ બાઠિયો દેવજી પરમાર (ઉ.વ.34) નામના શખ્સના રહેણાંક મકાનમાંથી રૂા. 7200ની કિંમતના 24 નંગ વિદેશી દારૂના ચપલા તેમજ તેના કબ્જાની જીજે10 ઇબી 5420 નંબરની એક્સેસ મોટર સાયકલની ડેકીમાંથી રૂા.7200 ની કિંમતના 24 નંગ દારૂના ચપલા ઝડપી લીધા હતાં અને રૂા.30,000 ની કિંમતનું મોટરસાઈકલ તથા દારૂના ચપલા સહિત કુલ રૂા.44,400 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
બીજો દરોડો, જામનગર શહેરના વિકાસ ગૃહ રોડ, ન્યુ પટેલ ફરસાણ પાસેથી સિટી બી પોલીસે રેઈડ દરમિયાન પિનાકિન મુકુંદરાય ભટ્ટ નામના શખ્સને રૂા.12000 ની કિંમતની 10 નંગ વિદેશી દારૂની બોટલો સાથે ઝડપી લીધો હતો તેમજ આ કેસમાં અજયસિંહ વાળાનું નામ પણ ખુલતા તેની શોધખોળ હાથ ધરાઈ છે.


