જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાગપુર ગામમાં મેરેજ સર્ટિફિકેટની નોંધણીને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ગામના ઉપસરપંચ કૌશિક કાનાણીએ મેરેજ સર્ટિફિકેટ બનાવવાની પ્રક્રિયામાં ગેરરીતિ અને નાણાકીય લેવડદેવડ થતી હોવાના આક્ષેપો કરી સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવાની માંગ ઉઠાવી છે. આ ઉપરાંત ગામમાં ભ્રષ્ટાચાર, સ્ટ્રીટ લાઈટ સહિતના પ્રશ્નો અને વિરોધ કરનારાઓ સાથે મારામારી થયાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.
ઉપસરપંચના જણાવ્યા અનુસાર, નાગપુર ગામમાં મેરેજ સર્ટિફિકેટ બનાવવાની બાબતને લઈને જૂનાગઢ, સોમનાથ, ગઢડા, અમદાવાદ અને રાજકોટ સહિતના વિવિધ જિલ્લાઓમાંથી ફોન આવે છે. અન્ય વિસ્તારોના લોકોના મેરેજ સર્ટિફિકેટ નાગપુર ગામમાં કેવી રીતે બની રહ્યા છે તે અંગે તેમણે સવાલો ઉઠાવ્યા છે. આ મામલે અગાઉ ગ્રામસભાની સામાન્ય બેઠકમાં સરપંચ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી અને યોગ્ય તપાસ તથા કાર્યવાહી કરવા જણાવાયું હતું. જોકે, સરપંચ દ્વારા ‘જે ચાલે છે તે ચાલવા દો’ તેવો જવાબ આપીને રજૂઆતને ટાળી દેવામાં આવી હોવાનો ઉપસરપંચે આક્ષેપ કર્યો છે. ઉપસરપંચ કૌશિક કાનાણીએ મેરેજ સર્ટિફિકેટ બનાવવાના મામલે નાણાકીય ગેરરીતિ થતી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે, એક મેરેજ દીઠ રૂ.20 હજારથી રૂ.25 હજાર સુધીની રકમ લેવામાં આવતી હોવાની શંકા છે. આ મામલે આરટીઆઈ હેઠળ મેળવેલી વિગતોનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, ત્રણથી ચાર મહિનાના સમયગાળામાં 431 મેરેજની નોંધણી થયેલી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે વાસ્તવિક સંખ્યા 700થી વધુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ આંકડાઓ વચ્ચેના તફાવતની પણ તપાસ થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે.
View this post on Instagram
મેરેજ સર્ટિફિકેટના મુદ્દા ઉપરાંત ગામમાં લાંબા સમયથી સ્ટ્રીટ લાઈટ બંધ હોવા સહિતના સ્થાનિક પ્રશ્નો અંગે પણ ઉપસરપંચે રજૂઆતો કરી હોવાનું જણાવ્યું છે. ગામના વિવિધ કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો સાથે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ઉપસરપંચ કૌશિક કાનાણીએ વધુમાં આક્ષેપ કર્યો છે કે, ગામમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનારા બે વ્યક્તિઓ સાથે મારામારી કરવામાં આવી હતી અને અપશબ્દો બોલવામાં આવ્યા હતા. પોતે પણ અત્યાર સુધીમાં ત્રણ વખત હુમલાનો ભોગ બન્યા હોવાનો તેમનો દાવો છે. છેલ્લી વખત થયેલા હુમલામાં પગ ભાંગી નાખવામાં આવ્યો હોવાનો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ કર્યો છે.
નાગપુર ગામમાં મેરેજ સર્ટિફિકેટની નોંધણીમાં થયેલી હોવાની શંકાસ્પદ ગેરરીતિઓ, નાણાકીય લેવડદેવડ, આરટીઆઈમાં સામે આવેલા આંકડા અને ગામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સહિતના તમામ મુદ્દાઓની ગંભીરતાથી તપાસ કરવામાં આવે તેવી ઉપસરપંચે માંગ કરી છે. સાથે જ હુમલા અને ધમકીના આક્ષેપોની પણ તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરી છે.


