Saturday, July 27, 2024
Homeરાજ્યગુજરાતમાલ પકડાય, બુટલેગર હાથમાં ન આવે !

માલ પકડાય, બુટલેગર હાથમાં ન આવે !

- Advertisement -

જામનગર-દ્વારકા જિલ્લા સહિત સમગ્ર રાજયમાં એવાં ઘણાં કિસ્સાઓ બને છે જેમાં પોલીસતંત્ર જાહેર કરતું હોય છે કે, ફલાણા સ્થળેથી, ફલાણા વાહનમાંથી આટલી બોટલ શરાબ, બાતમીના આધારે ઝડપાયો. આ પ્રકારના કિસ્સાઓમાં બુટલેગરો અથવા શરાબ ભરેલાં વાહનોના ચાલકો નાસી ગયાં હોવાની વિગતો જાહેર થતી હોય છે. આ પ્રકારનો ટ્રેન્ડ રાજયના કોઇ એકાદ બે લોકેશન નહીં પરંતુ સમગ્ર રાજયમાં જોવાં મળતો હોય લોકો પોલીસની મોડસ ઓપરેન્ડી (ઓપરેશન પાર પાડવાની પધ્ધતિ) પ્રત્યે અનેક પ્રકારના તર્ક-વિતર્ક અને સાથે શંકા-કુશંકાઓ પણ કરી રહ્યા છે.

- Advertisement -

એક રિપોર્ટમાં એક નિવૃત ઉચ્ચ પોલીસ અધિકારીને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, શરાબના ધંધાર્થીઓ પોલીસ વિભાગમાં પણ સંપર્કો ધરાવતા હોય એવું આ પ્રકારના કિસ્સાઓમાં બની શકે છે. ઘણી વખત બુટલેગરો પણ પોતાની આવડત દેખાડતાં હોય છે. માલ ભરેલું વાહન એક કેરિયર ચોકકસ સ્થળે છોડી દે, પછી ચોકકસ સમયે ત્યાંથી કોઇ બીજો કેરિયર એ વાહનને નિયત સ્થળે પહોંચાડી દે. આવું પણ બનતું હોય છે.

અત્રે એ પણ નોંધનીય છે કે, સમગ્ર ગુજરાતમાં વિવિધ સ્થળેથી શરાબના મોટાં જથ્થા ઝડપાઇ જતાં હોવાનું જાહેર થતું હોય છે.પરંતુ દેશના વિવિધ રાજયોમાંથી શરાબના આટલા મોટાં જથ્થા નિયમિત રીતે કોણ ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં પહોંચાડી રહ્યું છે ? તેના સુધી ગુજરાતની પોલીસ મોટાં ભાગના કિસ્સાઓમાં પહોંચતી નથી. આ ઉપરાંત ગુજરાતમાં મોટાં પાયા પર અન્ય રાજયોમાંથી શરાબની આયાત નિયમિત રીતે ગુજરાતના કયા બુટલેગરો કરી રહ્યા છે? તેની વિગતો જાહેર થતી નથી. ટૂંકમાં આ આખી બિઝનેસ ચેઇન દાયકાઓથી સલામત હોવાને કારણે લોકો ગુજરાતની દારૂ બંધીને છડે ચોક નાટક લેખાવે છે.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે, 2018ના મે મહિનામાં હાઇકોર્ટે રાજયના પોલીસ વિભાગને ‘ડિઝાઇન્ડ FIR’ મુદ્દે ખુબજ આકરા શબ્દોમાં અદાલતનું વલણ જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે, શરાબના મોટાં જથ્થાઓ અંગેની એફઆઇઆર વાંચવા અને સમજવા યોગ્ય હોય છે. એવું ઘણાં બધાં લોકો માનતા હોય છે અને લોકોની આ માન્યતાથી માહિતગાર અદાલતે ઉપરોકત ટિપ્પણી કરી હોવાનું સમજાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular