ખંભાળિયામાં એલસીબી પોલીસ દ્વારા ગઈકાલે ગુરુવારે વિદેશી દારૂ અંગેની કરવામાં આવેલી કાર્યવાહીમાં બે શખ્સોને મુદામાલ સાથે દબોચી લીધા હતા. જ્યારે એક શખ્સ ફરાર જાહેર થયો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી વિભાગના ઇન્ચાર્જ પી.આઈ. પી.સી. સિંગરખીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના સજુભા જાડેજા તથા સહદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયાના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા અને ફાયનાન્સનું કામ કરતા વિરેન્દ્રસિંહ ખુમાનસિંહ સોલંકી નામના 37 વર્ષના શખ્સના રહેણાંક મકાનમાંથી પોલીસે રૂપિયા 2,000 ની કિંમતની વિદેશી દારૂની પાંચ બોટલ ઝડપી લીધી હતી. આ પ્રકરણમાં ભીખા કાના લુણા નામના શખ્સ પાસેથી તેણે દારૂનો ઉપરોક્ત જથ્થો વેચાણ અર્થે મેળવ્યો હોવાનું કબૂલ્યું હતું.
તેથી પોલીસે ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા અને પાનની દુકાન ધરાવતા ભીખા કાના લુણાના રહેણાંક મકાનમાં દરોડો પાડી રૂા. 10,800 ની કિંમતની 27 બોટલનો જથ્થો કબ્જે કર્યો હતો. આ પ્રકરણમાં ધરારનગર વિસ્તારમાં રહેતા નવલ ઘેલા ગંઢ નામના શખ્સનું નામ ખુલવા પામ્યું હતું. જેથી પોલીસે નવલ ઘેલા ગંઢના રહેણાંક મકાનમાં દરોડો પાડી વધુ રૂા.11,200 ની કિંમતની 28 બોટલ વિદેશી દારૂ કબજે લીધો છે. જોકે આરોપી નવલ ઘેલા ગંઢ પોલીસને હાથ લાગ્યો ન હતો. આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસ મથકમાં પ્રોહી. એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.