Monday, December 2, 2024
Homeરાજ્યજામનગરછેલ્લો દિવસ : મહાપાલિકા માટે ઉમેદવારી નોંધાવવા પડાપડી

છેલ્લો દિવસ : મહાપાલિકા માટે ઉમેદવારી નોંધાવવા પડાપડી

- Advertisement -

જામનગર મહાપાલિકાની 64 બેઠક માટે ઉમેદવારી નોંધાવવાના આજે છેલ્લા દિવસે ફોર્મ ભરવા ઉમેદવારોનો ભારે ધસારો થયો હતો. ગઇકાલે વિજય મુહુર્ત ચૂકી ગયેલા ભાજપના ઉમેદવારો આજે વાજતે-ગાજતે ઉમેદવારી નોંધાવવા માટે જુદી-જુદી કચેરીઓએ પહોંચ્યા હતા. બીજી તરફ અસમંજસની સ્થિતિ વચ્ચે કોંગ્રેસના દાવેદારો અને ચૂંટણી લડવા ઇચ્છુકો પણ ચૂંટણી અધિકારીની ઓફિસે પહોંચી ગયા હતા. જયારે આમ આદમી પાર્ટી અને એનસીપી તથા બસપાના ઉમેદવારો પણ શહેરમાં ત્રીજું પરિબળ બનવા માટે પોતાના ઉમેદવારો સાથે કચેરીએ ધસી ગયા હતા. ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ હોવાને કારણે નામ નોંધાવવા માટે ભારે પડાપડીના દ્રશ્યો જોવા મળ્યા હતા. કચેરીની અંદર મર્યાદિત સંખ્યામાં જ લોકોને જવાની છૂટ હોય કચેરી બહાર ઉમેદવારોના સમર્થકો અને પક્ષના ટેકેદારોનો મેળાવડો જામ્યો હતો. શહેરના 4-4 સેન્ટરો પર કોઇ અફડાતફડી ન સર્જાઇ તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

- Advertisement -

જામનગરની 64 બેઠક માટે ગઇકાલ સુધી કુલ 79 ઉમેદવારો દ્વારા 87 ફોર્મ રજૂ કરી ચૂકવામાં આવ્યા હતા. ભાજપ અને કોંગ્રેસના મોટાભાગના ઉમેદવારોના ફોર્મ રજૂ કરવાના બાકી હોય આજે બન્ને પક્ષના ઉમેદવારો અને ટેકેદારો વહેલામાં વહેલી તકે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરી દેવા તલપાપડ બન્યા હતા. ડમી અને ડોકયુમેન્ટની પળોજણમાં ગઇકાલે ભાજપના 64 પૈકી માત્ર 3 ઉમેદવારો જ ઉમેદવારી નોંધાવી શકયા હતા. બાકીના 61 ઉમેદવારો આજે ઉમેદવારી નોંધાવશે. જિલ્લા પંચાયતમાં એક અને મહેસૂલ સદનમાં આવેલાં 3 સેન્ટરો પર જુદા-જુદા વોર્ડ માટે ઉમેદવારી નોંધાવવા માટે સવારથી જ ધસારો જોવા મળ્યો હતો. ભાજપના વોર્ડ નં.7ના ઉમેદવાર ગોપાલ સોરઠિયાને બન્ને પગમાં ફ્રેકચર હોય તેઓ વ્હીલચેરમાં પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરવા માટે પહોંચ્યા હતા. તો રાજયમંત્રી હકુભા જાડેજા પણ પક્ષના ઉમેદવારોની સહાયતા અને વ્યવસ્થા માટે પંચાયત તેમજ સેવા સદન પહોંચ્યા હતા. આ તકે તેમણે ભાજપના ઉમેદવારોની જીતનો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો. વોર્ડ નં. રમાંથી પણ ભાજપના ઉમેદવારોએ પોતાના ઉમેદવારીપત્રો રજૂ કર્યા હતા.

- Advertisement -

બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારોની યાદી અંતિમ ઘડી સુધી ફાઇનલ ન હોય ચૂંટણી લડવા ઇચ્છુકોમાં અવઢવની સ્થિતિ પ્રવર્તી રહી હતી. તેમ છતાં જેના નામો ફાઇનલ થઇ ગયા છે અને જેમને ટેલિફોનિક સૂચનાઓ આપી દેવામાં આવી છે તેવાં કોંગ્રેસના ઉમેદવારો પણ ફોર્મ ભરવા પહોંચી ગયા હતા. આ ઉપરાંત આ વખતે ચૂંટણીમાં ઝંપલાવી રહેલી કેજરીવાલની આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ પોતાનું નસીબ અજમાવવા પહોંચી ગયા હતા. બસપા અને એનસીપીના કેટલાક ઉમેદવારો પણ પોતાના નામ પત્રો સાથે પહોંચી ગયા હતા. મોટાભાગના પક્ષોમાં ઉમેદવારોના નામો છેક છેલ્લી ઘડીએ જાહેર કરવામાં આવ્યા હોય ફોર્મ ભરવાના પ્રથમ પાંચ દિવસ સુધી ચૂંટણી અધિકારીના કાર્યાલયમાં કાગડા ઉડતા હોય તેવી સ્થિતિ પ્રવર્તતી હતી પરંતુ આજે છેલ્લા દિવસે અચાનક જ ઉમેદવારોનો રાફડો ફાટયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular