જામનગર શહેરમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જુદા-જુદા વિકાસકામો માટે સરકાર પાસે રૂા. 44.20 કરોડની ગ્રાન્ટની દરખાસ્ત કરવામાં આવશે. આ ઉપરાંત શહેરમાં જુદા-જુદા કામો માટે ગ્રાન્ટના ખર્ચ સહિત કુલ 56.59 કરોડના ખર્ચને જામ્યુકોની સ્થાયી સમિતિએ બહાલી આપી છે.
ચેરમેન મનિષ કટારિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરમાંથી પકડવામાં આવેલાં રઝળતાં ઢોરને નરોડા ગોપાલકૃષ્ણ સેવા ટ્રસ્ટને મોકલવા માટે રૂા. 63 લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત શહેરના જુદા-જુદા ઝોનમાં સિમેન્ટ રોડ તથા સીસી બ્લોકના કામ માટે 6.5 કરોડથી વધુની રકમનાં ખર્ચને પણ બહાલી આપવામા આવી હતી. આ ઉપરાંત જામ્યુકોની જુદી-જુદી શાખાઓમાં વહિવટી અને ટેકનિકલ કામગીરી માટે આઉટ સોર્સિંગ એજન્સીની સેવા લેવાનું મંજુર કરવામાં આવ્યું હતું. આંતર માળખાકિય સુવિધાની ગ્રાન્ટ અન્વયે વોર્ડ નં. 15માં ગ્રીન સીટી આર્મી કેમ્પસની દિવાલથી રણજીતસાગર રોડ, ફિડીંગ કેનાલને બોકસ કેનાલ બનાવવા માટે રૂા. 2.14 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. બેઠકમાં ચેરમેન ઉપરાંત મેયર બિનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપનભાઇ પરમાર, ડેપ્યુટી કમિશનર વસ્તાણી, જુદા-જુદા વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.