જામનગર અને ક્રિકેટનો નાતો વર્ષો જૂનો છે. આ શહેરે દેશને અનેક પ્રતિભાશાળી ક્રિકેટરો આપ્યા છે, ત્યારે હવે મહિલા ક્રિકેટ ક્ષેત્રે પણ જામનગરની દીકરીઓ પોતાની પ્રતિભા અને કૌશલ્યના જોરે શહેરનું નામ રોશન કરી રહી છે. આ ગૌરવશાળી પરંપરામાં વધુ એક સિદ્ધિનો ઉમેરો થયો છે. જામનગરની પ્રતિભાશાળી મહિલા ક્રિકેટર નેહા ચાવડાની વેસ્ટ ઝોન મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી થતાં સમગ્ર જામનગર ક્રિકેટ જગતમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે.
જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના સિનિયર મહિલા ક્રિકેટર નેહા ચાવડાએ પોતાની શાનદાર રમત, સતત મહેનત અને ઉત્કૃષ્ટ પ્રદર્શનના બળે આ મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ખાસ કરીને ચાલુ સિઝનમાં સૌરાષ્ટ્રની સિનિયર મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે જવાબદારી સંભાળીને નેહાએ મેદાન પર નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું. તેમની આગેવાની અને રમતથી પસંદગીકારોનું ધ્યાન આકર્ષાયું હતું, જેના પરિણામે વેસ્ટ ઝોનની ટીમમાં તેમની પસંદગી કરવામાં આવી છે.
નેહા ચાવડા હવે ભારતીય મહિલા ક્રિકેટની સ્ટાર ખેલાડી સ્મૃતિ માંધાનાની આગેવાની હેઠળ વેસ્ટ ઝોનની ટીમનું પ્રતિનિધિત્વ કરશે. આગામી 21 નવેમ્બરથી તેઓ ટીમ સાથે જોડાશે. આ ટૂર્નામેન્ટ ઓડિશાના કટક ખાતે રમાવાની છે. દેશના પ્રતિભાશાળી મહિલા ક્રિકેટરો સાથે રમવાની તક નેહા માટે પોતાની રમતને વધુ ઊંચાઈએ લઈ જવાની મહત્વપૂર્ણ તક બની રહેશે.
નેહાની આ સફળતા પાછળ વર્ષોની સખત મહેનત, નિયમિત પ્રેક્ટિસ અને ક્રિકેટ પ્રત્યેનો સમર્પિત અભિગમ રહેલો છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના કોચ મહેન્દ્રસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવી રહ્યાં છે. કોચના માર્ગદર્શન, એસોસિએશનના સહયોગ અને પોતાની પ્રતિભાના સમન્વયથી નેહાએ આ સિદ્ધિ હાંસલ કરી છે.
ઉલ્લેખનિય છે કે, જામનગરની ઓળખ ક્રિકેટ ક્ષેત્રે હંમેશાં આગવી રહી છે. શહેરે પુરુષ ક્રિકેટમાં અનેક પ્રતિભાઓ આપી છે. પરંતુ હવે મહિલા ક્રિકેટરો પણ રાષ્ટ્રીય અને ઝોનલ સ્તરે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી રહી છે. નેહા ચાવડાની આ પસંદગી એ વાતનો પુરાવો છે કે જામનગરની દીકરીઓ પણ ક્રિકેટના મેદાનમાં કોઈનાથી પાછળ નથી અને પોતાની પ્રતિભાના જોરે નવી ઊંચાઈઓ સર કરી રહી છે. નેહાની આ સિદ્ધિ માત્ર તેમની વ્યક્તિગત સફળતા નથી, પરંતુ જામનગરના રમતગમત જગત, મહિલા ક્રિકેટ અને આગામી પેઢીની ખેલાડીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે. તેમની આ સફળતાથી જામનગરનું નામ વધુ એક વખત ક્રિકેટના નકશા પર ગૌરવભેર ઝળક્યું છે.
જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા નેહા ચાવડાની આ સિદ્ધિને બિરદાવવામાં આવી રહી છે અને આગામી ટુર્નામેન્ટમાં તેઓ વધુ શાનદાર પ્રદર્શન કરી જામનગર તથા સૌરાષ્ટ્રનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે તેમ જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના ભરતભાઈ મથરએ જણાવ્યું હતું.


