સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાને રેલ્વે તંત્ર દ્વારા હાલારના સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોથી વધુ એક સાપ્તાહિક ટ્રેનની સેવા મળી છે. આ અંગે જાણવા મળતી વિગત મુજબ હાલમાં જામનગર અને બિલાસપુર વચ્ચે દોડતી સાપ્તાહિક ટ્રેનને ઓખા સુધી લંબાવવાનો નિર્ણય રેલ્વે મંત્રાલય દ્વારા કરવામાં આવ્યો છે. હવેથી દર મંગળવારે આ ટ્રેન દ્વારકા આવશે અને દર શનિવારે દ્વારકાથી આ ટ્રેન બિલાસપુર જવા રવાના થશે.
ગુજરાત, મહારાષ્ટ્ર અને છત્તીસગઢ એમ ત્રણ રાજ્યને જોડતી આ ટ્રેન દ્વારકાથી સુરતના ટ્રેક ઉપર ચાલશે અને સુરતથી આ ટ્રેન મહારાષ્ટ્ર અને છત્તીસગઢ રાજ્ય સુધી પહોંચશે. દ્વારકાવાસીઓને મળેલી આ ટ્રેનથી ભારતના 84 બેઠકમાંના ચંપારણ બેઠકજી જવા માટે રાયપુર સ્ટેશનથી આ બેઠક જવા માટે વૈષ્ણવ સંપ્રદાયને વધુ સુવિધારૂપ બની રહેશે.
અત્રે ઉલ્લેખનિય છે કે વૈષ્ણવ સંપ્રદાયમાં પૂજનીય એવી કુલ 84 બેઠકમાંના સાત બેઠકજી સૌથી વધુ હાલાર વિસ્તારમાં આવેલા છે. આ ઉપરાંત આ ટ્રેન આરએસએસના મુખ્ય મથક નાગપુર વિગેરે જગ્યાથી પસાર થનાર હોય, જેથી તીર્થક્ષેત્ર અને કોર્પોરેટ સહિત આ વિસ્તાર માટેના તમામ પ્રવાસીઓને ખુબ જ સાનુકૂળ રહેશે. લાંબા સમયથી આ ટ્રેન માટે ડી.આર.યુ.સી.સી.ના દ્વારકા ખાતેના મેમ્બર ચંદુભાઈ બારાઈ, ઓખાના દીપકભાઈ રવાણી, જામનગરના પંડ્યા અને જે.ડી.સી.યુ.ના મેમ્બર પાર્થભાઈ દ્વારા પણ સાંસદ પૂનમબેન વિગેરેને રજૂઆતો કરવામાં આવી હતી.
દ્વારકાના રેલવે તંત્ર માટે હંમેશા રજૂઆતો માટેના ઉત્સાહિત ધર્મેન્દ્રભાઈ મોટલા વિગેરેની રજૂઆતો અને સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોથી ત્રણ રાજ્યોને જોડતી આ ટ્રેનને દ્વારકા સુધી લંબાવવામાં આવતા દ્વારકા, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ અને સોમનાથ સહિતના ક્ષેત્રોમાં આવતા યાત્રાળુ, શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ આવકારદાયક રહેશે. આ ઉપરાંત જુદા-જુદા ત્રણ રાજ્યને સંલગ્ન એવી વિશાળકાય કોર્પોરેટ કંપનીઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા કેમિકલ્સ, નયારા એનર્જી, આર.એસ.પી.એલ. (ઘડી) કંપની વિગેરે સહિતની હાલારની કંપનીના મુસાફરોને પણ અવરજવર માટે વધુ એક ટ્રેનની સુવિધા આશીર્વાદરૂપ બની રહેશે.