જામનગર શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે માથાભારે શખ્સ વિરૂઘ્ધ કડક કાર્યવાહી અંતર્ગત જામીન ઉપર મુક્ત થયેલી ત્રિપૂટીએ જામીનની શરતોનો ભંગ કરી યુવાનને તલવાર, પાઇપ જેવા ઘાતક હથિયારો સાથે ગાળો કાઢી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ત્રિપૂટીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતિમ પડાવ પર પહોંચી રહી છે ત્યારે આ ચૂંટણી શાંતિપૂર્ણ સંપન્ન થાય તે માટે રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની સૂચનાથી પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શનથી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના નેજા હેઠળ પીઆઇ વી. એમ. ડોડિયા અને પીએસઆઇ ડી. જી. રામાનુજ તથા એએસઆઇ રવિરાજસિંહ જાડેજા, હે.કો. જયેશભાઇ વઢેલ, પો.કો. વિક્રમસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફએ વર્ષ 2025માં નોંધાયેલા ગુનાના આરોપીઓને હાઇકોર્ટમાંથી શરતી જામીનમુક્ત કરવામાં આવ્યા હતા. આ જામીન દરમ્યાન કોઇપણ ગુનાહિત કૃત્ય આચરવું નહીં તેવી શરતોથી અદાલતે હાર્દિક ઉર્ફે પાણો રાજેશ મકવાણા, સુરેશ અશોક રાઠોડ અને ભાવિન રોહિત પટણી નામની ત્રિપૂટીએ ફરી લખણ ઝળકાવ્યા હતા.
આ ત્રિપૂટી સામે ભોલેનાથ ડીશ ગોલાની સામે તલવાર અને પાઇપ જેવા ઘાતક હથિયારો સાથે ગાળો બોલી અને ધમકી આપ્યાની સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. જેના આધારે પીએસઆઇ ડી.જી.રામાનુજ તથા સ્ટાફે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હાર્દિક ઉર્ફે પાણો રાજેશ મકવાણા જેના વિરૂદ્ધ જામનગર શહેરમાં સિટી ‘એ’, ‘બી’ ડિવિઝનમાં 13 ગુનાઓ જ્યારે ભાવિન રોહિત પટણી વિરૂદ્ધ સિટી ‘બી’ ડિવિઝનમાં ચાર ગુનાઓ તથા સિટી ‘એ’માં એક ગુનો તથા રાહુલ અશોક રાઠોડ વિરૂઘ્ધ બે ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે આ ત્રિપૂટીની ધરપકડ કરી અદાલતમાં રજુ કરવા કાર્યવાહી હાથ ધરી હતી.


