Thursday, December 26, 2024
Homeરાજ્યસૌરાષ્ટ્ર - કચ્છસાતમી જાન્યુઆરીએ રાજકોટમાં ભારત શ્રીલંકાનો ટી-20 મુકાબલો

સાતમી જાન્યુઆરીએ રાજકોટમાં ભારત શ્રીલંકાનો ટી-20 મુકાબલો

- Advertisement -

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ક્રિકેટરસિકો માટે આનંદના સમાચાર મળી રહ્યા છે. આવતાં મહિને 7 જાન્યુઆરીએ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ઉપર ભારત-શ્રીલંકા વચ્ચે ટી-20 મુકાબલાની જમાવટ થનાર હોવાનું જાણવા મળ્યું છે. આવતાં મહિને રમાનારી આ શ્રેણી માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા વેન્યુ (ગ્રાઉન્ડ)ની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે જેમાં રાજકોટનું ગ્રાઉન્ડ પસંદગી પામ્યું છે. એકંદરે છ મહિનાની અંદર જ રાજકોટને બીજા ટી-20 મુકાબલાનું યજમાનપદ મળ્યું છે. બીજી બાજુ શ્રીલંકાની ટીમ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (એસસીએ) ઉપર પહેલીવાર ટી-20 મુકાબલો રમવા ઉતરશે. આ માટે એસોસિએશન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે શ્રીલંકાની ટીમ આવતાં મહિને ભારતના પ્રવાસે શ્રેણી રમવા માટે આવી રહી છે જેમાં ટી-20 સહિતની મેચો સામેલ છે.

- Advertisement -

આ શ્રેણીની એક મેચ રાજકોટના સ્ટેડિયમ ઉપર રમાશે. શ્રીલંકાની ટીમ આમ તો રાજકોટમાં મેચ રમી ચૂકી છે પરંતુ તે તમામ મુકાબલા રેસકોર્સના ગ્રાઉન્ડ ઉપર રમાયા હતા. જ્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસાસિએશન સ્ટેડિયમ નિર્માણ પામ્યા બાદ પહેલીવાર નવા ગ્રાઉન્ડ ઉપર ભારત સામે ટક્કર લેશે. આમ શ્રીલંકા રાજકોટની મહેમાન બનનારી ઑસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, વેસ્ટઇન્ડીઝ, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ અને આફ્રિકા પછીની 7મી ટીમ બનશે. અત્રે ઉલ્લેખનિય છે કે, ચાલુ વર્ષે 17 જૂને રાજકોટમાં ભારત-આફ્રિકા વચ્ચે રોમાંચક ટી-20 મુકાબલો રમાયો હતો જેને ભારતે સરળતાથી જીતી લીધો હતો. આ પહેલાં બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ સહિતની ટીમો પણ રાજકોટમાં ટીમ ઈન્ડિયા સામે ટી-20 મેચ રમી ચૂકી છે જેમાં બાંગ્લાદેશ-ઑસ્ટ્રેલિયા પરાજિત થઈ છે તો ન્યુઝીલેન્ડની ટીમે રાજકોટમાં જીત મેળવી છે. બીજી બાજુ છ મહિનાની અંદર જ રાજકોટને બીજી ટી-20 મેચ મળતાં ક્રિકેટરસિકોના આનંદનો પાર રહ્યો નથી. બીજી બાજુ રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, લોકેશ રાહુલ, હાર્દિક પંડ્યા સહિતના ખેલાડીઓ આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયામાં સામેલ થવાની પૂરેપૂરી સંભાવના રહેલી હોવાથી તેમની એક ઝલક મેળવવા માટે અત્યારથી જ રસિયાઓ અધીરા બની ગયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular