કાલાવડ તાલુકાના કાલમેઘડા ગામમાં પીજીવીસીએલની ટીમના વીજ ચેકિંગ દરમિયાન ત્રણ અજાણ્યા શખ્સોએ નાયબ ઈજનેરને ગામમાં પ્રવેશવા ન દઇ વીજચેકિંગ કરવા દીધું ન હતું. જે મામલે પોલીસે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, રાજકોટમાં રહેતાં અને રાજકોટ ગ્રામ્ય ડીવીઝનમાં આઈસી સ્કવોર્ડમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા ડેનિશભાઈ વાછાણી નામના પીજીવીસીએલના અધિકારી શુક્રવારે સવારના સમયે તેના કર્મચારીઓ સાથે કાલાવડ તાલુકાના કાલમેઘડા ગામમાં ચેકિંગ કામગીરી માટે ગયા હતાં તે દરમિયાન ત્રણ અજાણ્યા શખ્સોએ ભેગા થઈને ઉંચા અવાજો કરી નાયબ ઈજનેર અને તેની ટીમને વીજ ચેકિંગ કરવા માટે ગામમાં પ્રવેશવા દીધા ન હતાં. જેના કારણે પીજીવીસીએલની ટીમ વીજ ચેકીંગ કરી શકી ન હતી અને પરત ફરી ગઈ હતી ત્યારબાદ આ બનાવ અંગે ડેનિશભાઈ દ્વારા જાણ કરાતા હેકો આર.વી. ગોહિલ તથા સ્ટાફે ત્રણ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ કર્યાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.